<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:7 તાલુકામાં મેઘમહેર : ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસ્યો

વરસાદને લઈ ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત સર્જાઈ : મોડી રાત્રી દરમિયાન જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી હતી એ મુજબ જ સોમવારે મોડી સાંજ બાદ વરસતા રાહત સર્જાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં નોંધાયો હતો. વરસાદને લઈ ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત સર્જાઈ છે.

  જૂન માસના દિવસો એક બાદ એક વીતી રહ્યા હતા પરંતુ ચોમાસાનો વરસાદ નોંધાઈ રહ્યો નહોતો. જેને લઈ ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી ગઈ હતી. ચોમાસુ ખેતી કરતા ખેડૂતો માટે ચોમાસાના વરસાદ પર આધાર રહેતો હોય છે, જે મોડો પડવાને લઈ ચિંતા વધી જતી હોય છે

સોમવાર મોડી સાંજ બાદ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. મોડી રાત્રી દરમિયાન જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં તો ગાજવીજ સાથે વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં રાહત સર્જાઈ હતી.

જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યાં 33 મિલીમીટર એટલે કે સવા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે હિંમતનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. હિંમતનગરના નવા, બેરણાં, કાંકણોલ સહિત આસપાસના પંથકમાં વરસાદ નોંધાયો હતો.

(11:46 AM IST)