<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સાડા ત્રણ વર્ષમાં ૧૦ હજાર કરોડનું ડ્રગ્‍સ અને ૨૬૦૦ આરોપીની ધરપકડ

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : કુલ ૮૭,૬૦૫ કિલો ડ્રગ્‍સ જપ્‍ત : એપ્રિલથી જૂન સુધી સુધીમાં ૨૦૬ પકડાયા : અમદાવાદમા ૪ વર્ષમાં કુલ ૨૦૧ કેસ

અમદાવાદ તા. ૨૫ : ગુજરાત સરકારની ડ્રગ્‍સ વિરૂધ્‍ધ જીરો ટોલેરન્‍સ નીતિ હેઠળ સાડા ત્રણ વર્ષોમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનું ૮૭,૬૦૫ કિલોગ્રામ ડ્રગ્‍સ ગુજરાત પોલીસે જપ્ત કર્યું. આ મામલે ૧૭૮૬ કેસ નોંધીને ૨૬૦૭ આરોપીઓની ધરપકડ કરી છે.  ગુજરાતનાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ જાણકારી રાજય સરકાર તેમજ ગુજરાત પોલીસ દ્વારા ચલાવેલા એંટી ડ્રગ અભિયાન હેઠળ જણાવી છે.

અમદાવાદમાં રાજયવ્‍યાપી  ‘એન્‍ટી ડ્રગ કેમ્‍પેઈન' અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્‍સ સામે અભિયાન નહીં જંગ છેડી છે. આ માનવ અને દાનવ વચ્‍ચેનો જંગ છે અને માનવ જીવનને બચાવવા માટે અમે આ જંગ લડતા રહીશું. ભૂપેન્‍દ્ર પટેલે મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્‍સના દૂષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્‍યા હતા.

વધુમાં તેમણે જણાવ્‍યું કે, અભિનેતા, નેતા, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો અને પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર' બનીને ડ્રગ્‍સ સામે લડીવું જોઈએ. ડ્રગ્‍સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે. ડ્રગ્‍સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યુ છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્‍સ ઘુસાડવા અને નાર્કોટેરેરીઝમને પ્રોત્‍સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે.

કેફી દ્રવ્‍યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે. જો કે ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્‍પર છે. જેના પરિણામે ડ્રગ્‍સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્‍વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્‍સો વધારવા માટે નાર્કોટિક્‍સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલી છે.

આ તકે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્‍યું કે, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્‍યોના દુષણને ડામવા કટિબદ્ધ છે. જેની પ્રતીતિ મીડિયાના માધ્‍યમથી લોકોને થવી જોઈએ. આજે મીડિયાનું મહત્‍વ વધ્‍યું છે, ત્‍યારે કેફી દ્રવ્‍યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે. આ સાથે જ કેફી દ્રવ્‍યોના દુષણને ડામવા માટે ગ્‍લોબલ ટ્રેન્‍ડ પણ ધ્‍યાનમાં રખાયો છે.

વર્ષ ૨૦૨૪ના ક્‍વાર્ટર ૨ એપ્રિલ - જૂન, ૨૦૨૪માં રજીસ્‍ટર થયેલા નાર્કોટિક્‍સ ડ્રગ કેસ સુરત શહેરમાં કુલ ૨૧ કેસ, ૫ ક્‍વોલિટી કેસ, ૩૮ આરોપી અને રૂ. ૧,૮૭,૮૫,૨૮૭ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે. અમદાવાદ શહેરમાં કુલ ૧૩ કેસ, ૨ ક્‍વોલિટી કેસ, ૧૫ આરોપી અને રૂ. ૪,૭૪,૮૭,૨૦૬ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

(12:17 PM IST)