<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

અમદાવાદના વસ્ત્રાલ બસ ડેપોમાં આગમાં ઈલેક્ટ્રિક બસ બળીને ખાખ

બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની બસો થઈ રહી હતી ચાર્જ : આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

અમદાવાદ,તા.૨૫ : અમદાવાદના વસ્ત્રાલ બસ ડેપોમાં આગ લાગતા ઈલેક્ટ્રિક બસ બળીને ખાખ થઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની બસો ચાર્જ થઈ રહી હતી ત્યારે તેમાંથી એકમાં આગ લાગી હતી. ત્યારબાદ આગ અન્ય બે બસોમાં ફેલાઈ ગઈ હતી.

આગ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદના વસ્ત્રાલ બસ ડેપોમાં પાર્ક કરેલી ત્રણ ઈલેક્ટ્રિક બસોમાં મંગળવારે વહેલી સવારે આગ લાગતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસો ચાર્જ કરવામાં આવી રહી હતી જ્યારે તેમાંથી એકમાં આગ લાગી હતી, આગ પછી બાજુમાં પાર્ક કરેલી અન્ય બે બસોમાં ફેલાઈ હતી. આગમાં બસો તેમજ ચાર્જરને નુકસાન થયું છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે.

 

(8:13 PM IST)