<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

નર્મદા જિલ્લાના અકુવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત : બાળકો ઓટલે બેસી ભણવા મજબૂર

આ શાળામાં પ્રવેશોત્સવ થયો અને દર વર્ષે થાય છે તો શું અહીંયા કાર્યક્રમ માટે આવતા અધિકારીઓને આ શાળાની દુર્દશા દેખાતી નથી..?!ગ્રામજનોએ દરેક ગ્રામસભામાં શાળાના ઓરડાની માંગ કરી છે, જિલ્લા પંચાયતમાં પણ લેખિત રજૂઆત કરી છે, સ્કૂલના મેડમોએ લખીને જિલ્લા કક્ષાએ આપ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ધામધૂમ પૂર્વક કાર્યક્રમો ચાલી રહ્યા છે, પરંતુ આઝાદીના 75 વર્ષ વીત્યા છતાં દેશના આ ગુજરાત મોડેલમાં શાળાઓ જર્જરિત મળે એ નવાઈ કહેવાય. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા સહીત અનેક ગામની શાળાઓ જર્જરિત છે. પતરા કાણા હોય તેમાથી પાણી ગળે છે, બાળકોને બેસાડવાની મુશ્કેલી પડે છે. ત્યારે નવા મકાન આપવામાં કેમ સરકાર ને વાર લાગી રહી છે.? આજે અકુવાડા ની આ શાળા માં પ્રવેશોત્સવ કાર્યક્રમ થયો તો શું અધિકારીઓ ને આ શાળા ની દુર્દશા દેખાતી નથી..?!

નાંદોદ તાલુકા ના અકુવાડા ગામમાં 1 થી 5 ધોરણ ની પ્રાથમિક શાળા છે. 40 જેટલા વિધાર્થીઓ ભણે છે અને શિક્ષકો સારું ભણાવી પણ રહ્યા છે. પરંતુ મકાન ના અભાવે બાળકો ઓટલા ઉપર બેસી ભણવા માટે મજબૂર બન્યા છે, કારણ એટલું છેકે અહીંયા શાળા તો છે પરંતુ તે જર્જરિત હોવાને કારણે આજે 3 વર્ષ થી વિધાર્થીઓ ઓટલા પર બેસી ભણવા માટે મજબૂર બન્યા છે, 100 વર્ષ જૂની શાળા જર્જરિત હોવાના કારણે ગ્રામજનો દ્વારા પણ અનેકવાર સરકાર માં રાજુઆત કરાઈ પરંતુ નવું મકાન બનતું નથી. તંત્ર દ્વારા જાણવા મળ્યું કે મકાન ને મંજૂરી મળી ગઈ છે અને આગામી વર્ષમાં નવું મકાન બની જશે.

 વાલી વિજયભાઈ વસાવા એ જણાવ્યું કે અમારા ગામમાં વર્ષોથી પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત છે ચોમાસામાં તો આખી સ્કૂલ પાણી ભરાઇ જાય છે,  એક સામેના ઓરડામાં બધા બાળકોને બેસાડવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. અમે દરેક ગ્રામસભા માં શાળાના ઓરડાની માંગ કરી છે જિલ્લા પંચાયત માં પણ લેખિત રજૂઆત કરી છે સ્કૂલના મેડમોએ લખીને જિલ્લા કક્ષાએ આપ્યું છે તો પણ આ શાળા નવી બનતી નથી.

 

(9:28 PM IST)