<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાણીપ, મણીનગર, બોપલ, એસજી હાઈવે, સાણંદ, બોડકદેવ, બોપલ, શેલા, વસ્ત્રાલ, મણીનગર, ગોતા, ઘાટલોડીયા, ચાંદલોડીયા, વાડજ, સાબરમતી, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદ :નૈઋત્યના ચોમાસાનું ગુજરાતમાં વિધિવત આગમન તો થયા બાદ મેઘરાજા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તોફાની બેટિંગ કરી રહ્યાં હતા. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્યથી હળવા વરસાદના ઝાપટા પડતા હતા. બીજી તરફ અમદાવાદમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ વરસાદના પડતાં શહેરીજનો અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. જો કે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

આજે બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક ઠંડો પવન ફૂંકાવા સાથે શહેરના કેટલાક ભાગોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતુ. જેમાં ખાસ કરીને રાણીપ, ચાંદલોડીયા, ઘાટલોડીયા, થલતેજ અને બોડકદેવ જેવા વિસ્તારમાં અચાનક વરસાદનું ઝાપટું પડ્યું હતુ. જેથી અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા. અનેક ટૂ-વ્હીલર ચાલકો વરસાદથી બચવા માટે થલતેજ અંડર બ્રિજ નીચે આશરો લીધો હતો.

જે બાદ સાંજે 5 વાગ્યાની આસપાસ ફરીથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં શહેરના રાણીપ, મણીનગર, બોપલ, એસજી હાઈવે, સાણંદ, બોડકદેવ, બોપલ, શેલા, વસ્ત્રાલ, મણીનગર, ગોતા, ઘાટલોડીયા, ચાંદલોડીયા, વાડજ, સાબરમતી, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અપર એર સરક્યુલેશન સાયક્લોનિક સિસ્ટમ બે દિવસમાં મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. શહેરમાં 29 જૂનથી ભારે વરસાદ પડવાના સંકેત છે.

(6:29 PM IST)