<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજ્યના 182 તાલુકામાં વરસાદ :22 તાલુકામાં એક ઈંચથી વધુ :ધ્રોલમાં અઢી ઇંચ અને કામરેજમાં 2 કલાકમાં સવા ઈંચ ખાબક્યો

સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં હળવા ઝાપટાથી માંડીને સવા ઈંચ જેટલો વરસાદ

અમદાવાદ :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ હવે વરસાદી માહોલ જામવા લાગ્યો છે. આજે પણ રાજ્યના 182 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ જામનગરના ધ્રોલમાં નોંધાયો છે. આ સિવાય સુરતના કામરેજમાં પોણા 2 ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ, રાજકોટમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કુતિયાણા, કપરાડા, ઉમરાળા, પેટલાદ, વાંકાનેર, ગોંડલ, બોટાદ, નડિયાદ, કોટડા સાંગણી અને ચોટીલા સહિતના તાલુકાનો સમાવેશ થાય છે.

સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં હળવા ઝાપટાથી માંડીને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરતના કામરેજમાં સવા ઈંચ અને વડોદરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં જોઈએ તો, પાદરામાં 17 મિમી, જલાલપોરમાં 16 મિમી, દીયોદરમાં 16 મિમી અને થરાદમાં 12 મિમી વરસાદ વરસ્યો છે.

(11:10 PM IST)