તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ઠાસરાના ઢુણાદરા ગામમા પ્રેમીએ બળજબરીથી પ્રેમીકાને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી
સગીરા ઘરે આવીને ઉલટી કરવા લાગતા પરિવારે સારવાર અર્થે ખસેડતા મોત નીપજ્યું

નડિયાદ,તા.૩૦,
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામની એક સગીર કિશોરીને તેના પ્રેમીએ ઝેરી દવા પીવડાવી દેતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંદર્ભે કિશોરીના પિતાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે ઢુણાદરાના યુવક (પ્રેમી) વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસસુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે લાલપુરા ખાતે રહેતા એક પરિવારની સગીરા ઉ.વ૧૭ને ગામમાં રહેતા સંજયભાઇ જુવાનસિંહ ઉર્ફે કાભઇભાઇ ઝાલા સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળેલ હતું. જેથી સગીરાના પિતાએ દિકરીને સંજય સાથે વાતચીત કરવાની ના પાડી હતી. અને તેઓના ઘરની બાજુમાં કેનાલ તરફ જવાનો રસ્તો હોય સંજય અવાર નવાર કેનાલ તરફ જતો આવતો હતો અને ઘરની બાજુમાં આવેલ રસ્તા પરથી જતા આવતા સગીરા સાથે વાતો કરવા ઉભો રહેતો હતો. ૧૫ દિવસ પહેલા સગીરા કેનાલ પર કપડા ધોવા ગઇ હતી. ત્યારે સંજય કેનાલની નીચે ઝાડી ઝાંખરામાં ઉભા રહી સગીરા સાથે વાતો કરતા સગીરાના પિતાએ જોયો હતો. જેથી સગીરાના પિતાએ સંજયને ઠપકો કરી કહેલ કે હવે પછી સગીરા સાથે વાતો ના કરતો દરમ્યાન તા.૨૭મીના રોજ સગીરાના પિતાએ એક મકાનનું કામ રાખેલ હોય કડિયા કામે ગયા હતા. પત્ની તથા બાળકો ઘરે હાજર હતા. બપોરે ૧ વાગે સગીરાના પિતા જમવા માટે ઘરે આવતા સગીરા સુઇ રહી હતી. સગીરા ઉબકા ખાતી હોવાથી તેની માતાએ પૂછતા કંઇ જણાવેલ નહી જેથી સગીરાના પિતાએ પત્નીને પૂછેલ કે દીકરીને શું થયું છે. ત્યારે પત્નીએ જણાવેલ કે દીકરી ૧૨ વાગે કેનાલ બાજુ કુદરતી હાજતે ગઇ હતી. અને આવીને સુઇ ગઇ હતી. દરમ્યાન બપોરના ૪ વાગે સગીરાને ચક્કર આવતા તેની કુટુબીભાભી એ સગીરાને પૂછતા સગીરાએ જણાવેલ કે સંજયે મને બળજબરીથી દવા પીવડાવી દીધેલ છે અને થોડીવાર બાદ સગીરાએ વોમીટ કરવાનું શરૂ કર્યું હતું. જેથી સગીરાના પિતા અને તેની પત્નીએ કાકાના દિકરાને ઇકો ગાડી લઇ બોલાવેલ અને દીકરીને અર્ધબેભાન હાલતમાં સારવાર અર્થે ઉમરેઠ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દરમ્યાન રાત્રીના ૬-૩૦ વાગે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદના આધારે ઠાકોર પોલીસે સંજય જુવાનસિંહ ઝાલા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેઢુણાદરાની એક સગીરાને તેના પ્રેમીએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી દેતા તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. આ સંદર્ભે કિશોરીના પિતાએ પ્રેમી વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા સંજયને પકડવા ડાકોર પી.આઇ. સહિત પોલીસ જવાનોએ ચક્રો ગતિમાન કર્યા છે. અને મોડીરાત સુધી હત્યારો સંજય પકડાઇ જવાની આશંકા સેવાઇ રહી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
