News of Monday, 1st July 2024
આજે સાર્વત્રીક વરસાદની આગાહી : પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે
વાદળોનું ઝુંડ અચાનક ગુજરાત તરફ ધસી આવ્યું હવામાન ખાતુ કહે છે આ આખુ અઠવાડિયુ વરસાદી માહોલ રહેશે : એનડીઆરએફની ટીમ તૈનાત

અમદાવાદ તા. ૧ : જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે.
અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.
રાજયમાં આગામી ૭ દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજયમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આજે ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે.
૧ જુલાઇએ વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત ,નવસારીમાં ભારે તો ૨ જુલાઇએ નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી થઇ છે.
આજે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ્સ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, ૧ જૂન થી ૨૭ જૂન સુધીમાં ગુજરાતમાં ૫૨% વરસાદ નોંધાયો. જે ૧ થી ૨૭ જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં ૪૮ ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત ૯૦ મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો.
ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું. ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ ૭ ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા ૮ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
