<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ડેડીયાપાડાના કંકલા ગામે ગૌચર જમીનનું દબાણ દૂર કરાવી તાલુકા વિકાસ અધિકારીએ વૃક્ષારોપણ કરાવ્યું.

સરકારની દબાણ દૂર કરવાની કડક કામગીરી ની શરૂઆત કરતાં ડેડીયાપાડાના ટીડીઓ: દસ વર્ષથી ગૌચર જમીનમાં દબાણ કરી ખેતી કરવા છતાં કોઈજ અધિકારી કાર્યવાહી કરી ન હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કંકલા (પીપલા) ગામે આવેલી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર છેલ્લાં ૧૦ વર્ષથી થયેલા દબાણને તાલુકા વિકાસ અધિકારીએ દૂર કરાવી એ જગ્યા ઉપર વૃક્ષારોપણ કરાવ્યું હતું.
  ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીને ગૌચરમાં થયેલા ગેરકાયદેસર દબાણો અંગેની અરજી મળી હતી. જેમાં કંકાલા (પીપલા) ગામનાં રાજેશ વસાવા દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી ખેતી કરવામાં આવતી હતી. અને આટલા વર્ષોથી કોઈ પણ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે સૌ પ્રથમ વખત વિકાસ કમિશનર ની ગાઈડ લાઇનનું પાલન કરી ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ અરજીને ધ્યાને લઇ તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યેશ વસાવા, અ.મ.ઈ. અક્ષર સોનાણી તેમજ ત.ક.મંત્રી સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ગૌચરની જમીન ખાલી કરાવી દબાણ દૂર કર્યું હતું. આ ગૌચરની જમીન ઉપર સામાજિક વનીકરણ ડેડીયાપાડાની મદદથી વૃક્ષારોપણ કરાવ્યું હતું.  
ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીએ લીધેલા કડક વલણને કારણે ડેડીયાપાડા તાલુકામાં ગામડાઓમાં ગૌચરની જમીન માં ગેરકાયદેસર દબાણો કરી જમીન ખેડતા વ્યક્તિઓ માં ફ્ફડાટ ફેલાયો છે.
આ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે દબાણ કર્યાની અરજી મળશે તો તરત કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવશે જેમાં કોઈપણ ચરણબધીને છોડવામાં નહીં આવે કારણ કે સરકારનો પણ દબાણ બાબત કડક અભિગમ છે જેથી અમને અરજી મળશે તો તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવા આવશે અથવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લેન્ડગ્રેબિંગ કાયદા અનુસાર પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે જેથી કોઈપણ લોકોએ સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવું નહીં તેમ જણાવ્યું હતું

(10:23 PM IST)