News of Wednesday, 3rd July 2024
ધર્મના નામે ચાલતી પોતાની દુકાન બંધ થઈ જવાની બીકે ભાજપના ગુંડાઓએ કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરીઃ શક્તિસિંહ ગોહિલ
ગભરાયેલા ભાજપના લોકોએ કોંગ્રેસની ઓફિસ પર તોડફોડ કરવા માટે ટોળું મોકલીને ગુંડાગીરી કરતી પાર્ટીનું પ્રતિક રજૂ કર્યું

અમદાવાદઃ લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘હિંદુ' વિશે આપેલા નિવેદનનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. એવામાં ગઈકાલે અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં કેટલાક લોકોએ તોડફોડ કરીને રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો કૂચડો મારી દીધો હતો. જે બાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતુ. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.
આ અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતના રાજકારણના સુવર્ણમય ઇતિહાસને ગભરાયેલી ભાજપે કલંકિત કર્યુ . રાહુલ ગાંધીએ હિંદુ ધર્મની ઉત્તમ પરંપરાની પ્રસંશા કરીને ધર્મની સાચી વ્યાખ્યા સંસદમાં સમજાવી. જેથી ભાજપ ગભરાઈ ગઈ કે, તેમની ધર્મના નામે ચાલતી દુકાન બંધ થઈ જશે. ગભરાયેલા ભાજપના લોકોએ કોંગ્રેસની ઓફિસ પર તોડફોડ કરવા માટે ટોળું મોકલીને ગુંડાગીરી કરતી પાર્ટીનું પ્રતિક રજૂ કર્યું છે.
ગુજરાતના રાજકારણનો એક ગૌરવવંતો ઈતિહાસ રહ્યો છે. જો કે હવે ગભરાયેલી ૪૦૦ પારની વાત કરનારા તડિપારની પરિસ્થિતિમાં આવેલા ભાજપના નેતાઓ ગુજરાતની ઉત્તમ પરંપરાને તોડવા ઉતરી આવ્યા છે.
ક્યારેય કોઈપણ રાજકીય પક્ષે બીજા રાજકીય પક્ષની ઓફિસમાં જઈને કે કોઈના ઘરમાં જઈને તોડફોડ ક્યારેય નહતી કરી. જે રીતે લોકોની નજરમાંથી ભાજપ ઉતરી ગયું છે અને સત્તાના પાયા હચમચી ગયા છે એટલે જે બોખલાહટ ઉભી થઈ છે, જે જુદા પ્રકારની છે.
શકિતસિંહજીએ વધુમાં જણાવેલ કે લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખૂબ જ સારી રીતે જનતાનો અવાજ રજૂ કર્યો. આ સાથે જ ‘હું પણ હિંદુ છુ' અને દરેક હિંદુને ગર્વ થાય એ રીતે સાચા અર્થમાં હિંદુ ધર્મ શું છે? તેની પરિભાષા સમજાવી. શિવજીના ફોટાને દિલથી સાથે રાખીને ભગવાન શિવ એમણે જે સાચો સંદેશ આપ્યો છે, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર એમ અલગ-અલગ ધર્મના વડાની વાતને વણીને ખૂબ સરસ રીતે હિંદુત્વની વ્યાખ્યા આપી.
જે બાદ ભાજપના પેટમાં તેલ રેડાયું કે, જો સાચી હિંદુ ધર્મની વ્યાખ્યા દેશના લોકો સુધી પહોંચી જાય, રાહુલ ગાંધી લોકોના દિલ સુધી પહોંચી ગયા છે તો આપણે જે હિંદુ ધર્મના નામે લોકોને ગુમરાહ કરીએ છીએ, તે આપણી દુકાન જ બંધ થઈ જશે. સાચા અર્થમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ વાળા જ હિંદુ ધર્મને બદનામ કરે છે. આ વાતને ખોટી રીતે રજૂ કરવા પ્રયાસ થયો.
સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના ભરપુર વખાણ થયા બધાએ પ્રસંશા કરી. જેને ગુમરાહ કરવાના પ્રયત્ન ભાજપે કર્યા. જો કે તેમાં તેને સફળતા નથી મળી. જેથી ગભરાટમાં રાતે અંધારામાં ૪ વાગ્યે કોંગ્રેસ કાર્યાલયના દરવાજા ટપીને અમારા પોસ્ટરો પર કાળા કૂચડા મારવાનો પ્રયાસ થયો.
જે બાદ સોશિયલ મીડિયામાં સંદેશો વાયરલ થયો કે, સાંજે ૪ વાગ્યે ભાજપ વાળા કોંગ્રેસના કાર્યાલય પર જઈને દેખાવો કરશે. જેથી તરત જ પોલીસ જાણ કરી હતી. જો કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને માત્ર ખબર પડતાં કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ ઓફીસ પહોંચી ગયા હતા અને મજબૂત દીવાલ બનીને ભાજપના ગુંડાઓનો સામનો કર્યો હતો તેમને ખૂબ ખૂબ અભિનંદન. પોલીસને અગાઉથી જાણ કરી હોવા છતાં પોલીસની એક તરફી કામગીરી અને નિષ્કાળજી નિંદનીય છે. પોલીસ કર્મચારી અને અધિકારી કોઈ રાજકીય પક્ષના સેવકો નહીં જનતાના સેવકો છે અને તેઓએ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરવું જોઈએ.
ભાજપા કાર્યકર્તા દ્વારા કોઇપણ પોલીસ મંજૂરી વગર ગુજરાત કોંગ્રેસનાં કાર્યાલય પર કરેલ હુમલામાં પોલીસ અધિકારીઓ ની સંદિગ્ધ ભૂમિકા અને એકતરફી પોલીસ કાર્યવાહી સામે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડાની આગેવાની માં અમદાવાદ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી નિષ્પક્ષ કાર્યવાહીની માંગણી કરવામાં આવી. કોંગ્રેસના ડેલિગેશનમાં ધારાસભ્ય ઇમરાન ખેડવાલા, અમૃત ઠાકોર, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પ્રવક્તા ડો. અમિત નાયક હાજર રહ્યાં હતા.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
