<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

સુરત: મોંઘા મોબાઈલ અને બાઈકનો શોખ પૂરો કરવા ચોરીના રવાડે ચડ્યા : ત્રણ મિત્રો રંગે હાથ ઝડપાયા

ખટોદરા નંદ પરમાનંદ ઇન્ડસ્ટ્રીના બસ સ્ટેશન પાસે ચોરીમાં મળેલો મુદ્દામાલ ભાગ બટાઈ કરવા ત્રણેય ચોર ભેગા થતાની સાથે જ પોલીસે તેમને ઝડપી પાડ્યા

સુરત : શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે 2 જુલાઈના રોજ ઘરફોડ ચોરીના ગુનામાં ભાગતા ફરતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, ખટોદરા તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરી કરતા ત્રણ શખ્શો ખટોદરા નંદ પરમાનંદ ઇન્ડસ્ટ્રીના બસ સ્ટેશન પાસે ચોરીમાં મળેલો મુદ્દામાલ ભાગ બટાઈ કરવા માટે આવવાના છે.

મળેલી બાતમીના આધારે પોલીસે નંદ પરમાનંદ ઇન્ડસ્ટ્રીના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી અને ત્રણેય ચોર ભેગા થતાની સાથે જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય પાસેથી પોલીસે iphone, ત્રણ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખટોદરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં સોનુ ઉર્ફે અજય ઉપાધ્યાય, સોનુ ઉર્ફે જેક પાડવી અને અમિત પાડવીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમો ખટોદરા વિસ્તારના રહેવાસી છે. જ્યારે આ ત્રણેય ચોરની પૂછપરછ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે સોનું, જેક અને અમિતને અલગ અલગ બાઈક વાપરવાનો શોખ હતો અને તેના માટે તેઓ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આરોપી પહેલા ચોરી કરવા માટેનું સ્થળ નક્કી કરતા હતા અને ત્યારબાદ જે જગ્યા પર સીસીટીવી કેમેરા ન હોય ત્યાં મોટરસાયકલની ચોરી કરતા હતા. મોટરસાયકલની ચોરી કર્યા બાદ તેઓ અલગ અલગ મકાનોને ટાર્ગેટ કરતા હતા અને મકાનમાં ઘૂસીને માત્ર મોબાઇલ ફોનની જ ચોરી કરતા હતા અને ત્યારબાદ બાઈક પર ફરાર થઈ જતા હતા. ચોરી કરેલી બાઈક સીસીટીવી કેમેરામાં ન આવે તે હેતુથી તેઓ પેટ્રોલ પંપ પર પણ ન જતા અને જ્યાં પેટ્રોલ પૂરું થઈ જતું ત્યાં જ રસ્તાની સાઈડમાં બાઈક મૂકીને આરોપી ઓફ ફરાર થઈ જતા હતા.

ખટોદરા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ત્રણ બાઈક જપ્ત કર્યા છે અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે, ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક આમ કુલ મળીને ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ત્રણેય ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં સોનુ ઉર્ફે જેક સામે અગાઉ ખટોદરા પોલીસ સ્ટેશનમાં સાત અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક આમ આઠ ગુના દાખલ થયા છે. તો સોનુ ઉર્ફે અજય ઉપાધ્યાય સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુના દાખલ થયા છે અને અમિત પાડવી સામે પણ ખટોદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુના દાખલ થયા.


 

(12:59 AM IST)