<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

રાજપીપળામાં રખડતા જાનવરોની નાસભાગમાં વાહનોને નુકશાન : પાલિકા તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય

દરબાર રોડ જૂની પોસ્ટ ઓફિસ પાસે ગાયોનું ટોળું દોડ્યું જેમાં ત્યાં પાર્ક કરેલા વાહનો ને નુકશાન કર્યું: કોઈનો ભોગ લેવાયા બાદ પાલિકા પગલાં લેશે..?! ભૂતકાળમાં અનેક લોકો ઇજા પામ્યા છે અને એક બાઈક સવાર મોતને ભેટ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમાં રખડતા જાનવરોની સંખ્યા વધી રહી છે સાથે સાથે જાનવરોની દોડધામમાં લોકો ને ઇજા થાય અને વાહનોને નુકશાન થવાની ઘટના પણ વધતી જોવા મળે છે.
આજે વહેલી સવારે રાજપીપળા દરબાર રોડ જૂની પોસ્ટ ઓફિસ પાસે અચાનક જ ગાયોનું ટોળુ દોડતું આવ્યું જેમાં ત્યાં પાર્ક કરેલા સ્થાનિકો ના વાહનો ને અડફટે લેતાં વાહનો ને નુકશાન કર્યું હતું, સદનસીબે ત્યાં કોઈ બાળક નહિ હતા નહિ તો આ ટોળુ બાળકને પણ ઇજાગ્રસ્ત કરી શકત અથવા બાળકો કે વૃધ્ધો માટે આ જાનવરો જીવલેણ પણ સાબિત થઈ શક્યા હોત.
દરબાર રોડ સહિત આખા શહેરમાં ૫૦૦ થી વધુ રખડતા આખલા, ગાય, ભેંસ જોવા મળે છે અને રસ્તા માં મળ મૂત્ર કરી ગંદકીની સાથે સાથે રસ્તા પર અડિંગો જમાવી બેસી જતા આ જાનવરો માટે પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે,  નહિ તો ક્યારેક કોઈ નો જીવ જઈ શકે છે. ભૂતકાળ માં એક બાઈક સવારનું રખડતા જાનવર ના કારણે મોત થયું હતું અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે છતાં પાલિકા તંત્ર આ માટે તદ્દન નિષ્ક્રિય જણાય છે. તો શું કોઈનો ભોગ લેવાયા બાદ કાર્યવાહી કરશે..? ભૂતકાળમાં આ જાનવરો ને પકડી ઢોર ડબ્બે પૂરવાની કામગીરી પાલિકા દ્વારા કરાતી હતી પરંતુ હાલમાં તો પાલિકામાં બેઠેલા સત્તાધીશો ને જાણે આવી બાબતમાં કોઈ રસ જ નથી તેમ લાગી રહ્યું છે.


 

(12:23 AM IST)