તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 6th July 2024
ચૈતર વસાવાને હાઇકોર્ટની રાહત: નર્મદા-ભરૂચમાં પ્રવેશ બંધીમાંથી મુક્તિ
મત વિસ્તારથી MLAને દૂર રાખવાથી નુકસાન, ચૂંટણી પૂર્વે સરકાર ચૈતર સામે સુપ્રીમ કોર્ટ ગઈ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મીઓને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર અંગે ફરિયાદ નોંધી હતી. આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુન્તલાબેનની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા.
ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં હાઇકોર્ટે પણ આગોતરા જામીન ફગાવી દેતાં ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેંડર કર્યું હતું. જો કે ચૈતર વસાવાને હાઇકોર્ટની રહાત મળી છે. નર્મદા અને ભરૂચમાં પ્રવેશ બંધીમાંથી ધારાસભ્યને મુક્તિ મળી છે.
ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ કેસમાં નર્મદાના ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ચૈતર વસાવા ચૂંટણી પહેલાં હાઈકોર્ટ માં પહોંચ્યા હતા જો કે, બાદમાં આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. આ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટ ઉપરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા. ત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલાં હાઈકોર્ટ પહોંચ્યા હતા. જેમાં નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતો ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, ચૈતર વસાવા ભરૂચની બેઠક ઉપરથી લોકસભાના ઉમેદવાર છે. ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું પોલિટિકલ કેરિયર બરબાદ થઈ શકે તેમ છે. વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાઈ હતી પણ આ અરજી નકારી દેવામાં આવી હતી. અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમની વિધાનસભાને પણ નુકસાન જઈ રહ્યું છે. જો આ શરતો દૂર નહીં કરાઇ તો તેઓને ચૂંટણીમાં ન્યાય મળી શકશે નહીં. આથી હાઇકોર્ટે 12 જુન 2024 સુધી નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતો. જેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી. જો કે, સુપ્રીમે તે અરજી ફગાવી દીધી હતી.
હવે હાઇકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી છે. કારણ કે, મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જાય છે. અગાઉ આ કેસ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
