<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

સપ્‍ટેમ્‍બરમાં ધારાસભાનું સત્રઃ નીટ, અગ્નિકાંડ, ડ્રગ્‍સના મુદા ગાજશે

લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત સત્ર આવી રહ્યું છેઃ કોંગ્રેસ આક્રમક મિજાજમાં કર્મચારીઓની ભરતી, કાયદો વ્‍યવસ્‍થા વગેરે મુદા પણ વિપક્ષ આવરી લેશેઃ સત્ર ઓછામાં ઓછુ અઠવાડિયાનું રાખવા કોંગ્રેસ માંગણી કરશે

રાજકોટ તા. ૬ :.. ગુજરાત વિધાનસભાનું  ચોમાસુ સત્ર ઓગસ્‍ટ ઉતરાર્ધ  અથવા સપ્‍ટેમ્‍બર પ્રારંભે મળે તેવી હિલચાલ શરૂ થઇ છે. લોકસભાની ચૂંટણી પછી અને ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી જીતીને શાસક ભાજપનું સંખ્‍યાબળ ૧૬૧ ના થયા પછી પ્રથમ વખત ધારાસભાનું સત્ર આવી રહ્યું છે.

કોંગ્રેસે ગુજરાતમાં સંસદની ૧ અને દેશમાં ૯૯  બેઠકો જીતી છે. તેથી ઉત્‍સાહમાં છે. રાજયની ચકચારી ઘટનાઓ અંગે વિપક્ષ સત્ર વખતે  ગૃહની અંદર-બહાર સરકારને ભીડવવા પ્રયાસ કરશે.

‘નીટ' ની પરીક્ષાની ગેરરીતિમાં ગુજરાત કનેકશન ખૂલ્‍યુ છે. પરીક્ષાની પવિત્રતા અને ન્‍યાયિક બાબતો ન જળવાતા લાખો વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન ઉભો થયો છે.

રાજયમાંથી વારંવાર ડ્રગ્‍સ પકડાય છે. રાજકોટમાં ગઇ તા. રપ મેએ ગેમઝોનના અગ્નિકાંડમાં ર૭ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. કોંગ્રેસ રપ જૂને રાજકોટનું બંધનું આપેલ એલાન સફળ રહ્યુ હતું. અગ્નિકાંડના મુદા કોંગ્રેસ જબ્‍બર લડત આપી રહી છે. આ બધા મુદા વિધાનસભામાં આક્રમક રીતે ઉપાડવા કોંગ્રેસ તૈયારી કરી રહયાનું જાણવા મળે છે.

ઉપરાંત કાયદો વ્‍યવસ્‍થા, મોંઘવારી, બેરોજગારી, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના પેપરો ફુટવા, સરકારી કર્મચારીઓની ખાલી જગ્‍યા અને નવી ભરતી માટેનું કેલેન્‍ડર, જમીન કૌભાંડો વગેરે બાબતો પણ વિપક્ષ જોરશોરથી ઉપાડવા માંગે છે. સત્ર તોફાની બની રહેવાની શકયતા છે. સરકાર ચોમાસુ સત્ર બે-ત્રણ દિવસનું બોલાવતી હોય છે તેના બદલે ઓછામાં ઓછા અઠવાડીયા માટે સત્ર બોલાવવા કોંગ્રેસ માંગણી કરશે. સરકાર સામેનો વિરોધમાં આમ આદમી પાર્ટી પણ સૂર પુરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલની સ્‍થિતિએ વિધાનસભામાં ભાજપના ૧૬૧ કોંગ્રેસના ૧ર, આમ આદમી પાર્ટીના-૪, સમાજવાદી પાર્ટીના ૧ અને ર અપક્ષો ચૂંટાયેલા છે. વિસાવદર અને વાવ (બનાસકાંઠા) બેઠકો ખાલી છે.

 

(1:13 PM IST)