તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયું વર્ષ ૨૦૨૪-૨૫નું કેલેન્ડર
હરવા-ફરવાનું આયોજન થશે સરળ :કેલેન્ડર મુજબ ૨૦૨૫ની બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૃ કરવાનું નક્કી કરાયું

ગાંધીનગર, તા.૬ : આ વર્ષે અસહ્ય ગરમીને કારણે રાજ્યમાં શાળાઓનું ઉનાળુ વેકેશન લાંબાવવામાં આવ્યું હતું, જેને પગલે આ વર્ષે શાળાઓ એક સપ્તાહ મોડી શરૃ કરવામાં આવી હતી .ત્યારબાદ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ શરૃ થયાને એક મહિનો પૂર્ણ થઈ હવે જુલાઇની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર-પરીક્ષાની તારીખો જાહેર ન કરાતા સ્કૂલોએ રજૂઆત કરી હતી અને જેને પગલે આજે બોર્ડ દ્વારા આજે ૨૦૨૪-૨૫નું શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામા આવી છે.
કેલેન્ડર મુજબ ૨૦૨૫ની બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૃ કરવાનું નક્કી કરાયું છે. બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૃ કરવામાં આવશે અને ૧૩ માર્ચના રોજ પૂર્ણ થશે આમ ૧૩ દિવસ વહેલી ૧૩મી માર્ચે જ પરીક્ષા પુરી થઈ જશે. પ્રથમ શૈક્ષણિક સત્ર ૧૩ જૂનથી ૨૭ ઓક્ટોબર સુધી ચાલશે જેમાં સત્રમાં ૧૦૮ દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન ૨૩૭ દિવસનો અભ્યાસ કરાવામાં આવશે.
૨૮ ઓક્ટોબરથી ૧૭ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.પ્રથમ સત્રમાં ધો.૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૪ ઓક્ટોબરથી લેવામાં આવશે એવી માહિતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ ધો.૯થી ૧૨માં ૧૪મી ઓક્ટોબરથી ૨૩મી ઓક્ટોબર સુધી પ્રથમ પરીક્ષા ચાલશે. જ્યારે પ્રીલિમ-દ્વિતિય પરીક્ષા ૨૦મી જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી ચાલશે. ૩૦મી જાન્યુઆરીએ ધો.૯ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવાશે.
ત્યારબાદ ૧૮ નવેમ્બરથી દ્વિતીય સત્રનો પ્રારંભ થશે, જે ૪ મે સુધી ચાલશે. દ્વિતીય સત્રમાં ૧૩૫ દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. ત્યારબાદ ૫ મેથી ૮ જૂન સુધી ઉનાળું વેકેશન જાહેર કરાયું છે અને ૯ જૂન, ૨૦૨૫થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. આમ, ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ અને દ્વિતીય સત્ર મળીને કુલ ૨૪૩ દિવસ અભ્યાસના નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી ૬ સ્થાનિક રજા બાદ કરતા ૨૩૭ દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે
ધો.૧૦ એન ૧૨ માટે બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા ૩૧મી જાન્યુઆરીથી શરૃ થશે અને જે ચોથી ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે ધો.૧૨ સાયન્સમાં બોર્ડની પ્રાયોગિક પરીક્ષા છઠ્ઠી ફેબ્રુઆરીથી ૧૪મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા ૨૭મી ફેબ્રુઆરીથી શરૃ થઈ જશે.દર વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહ બાદ બોર્ડ પરીક્ષા શરૃ થતી હોય છે ત્યારે આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં જ બોર્ડ પરીક્ષા શરૃ થઈ જશે.જે ૧૩મી માર્ચ સુધી ચાલશે. ગત વર્ષે ૨૬મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષા ચાલી હતી ત્યારે આ વર્ષે ૧૩ દિવસ વહેલી બોર્ડ પરીક્ષા પુરી થઈ જશે.
ધો.૯ અને ૧૧માં સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ ૭મી એપ્રિલથી શરૃ થશે અને જે ૧૯મી એપ્રિલ સુધી ચાલશે. મહત્વનું છે કે સરકારે અગાઉ ગુજરાત બોર્ડની સ્કૂલો માટે એપ્રિલથી નવુ સત્ર શરૃ કરવાની જાહેરાતનો ફિયાસ્કો થતા ૨૦૨૫માં પણ તેનો અમલ નહીં થાય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત બોર્ડના શૈક્ષણિક કેલેન્ડર મુજબ સ્કૂલોમાં પ્રથમ અને દ્વિતિય સત્ર મળીને કુલ ૨૪૩ દિવસો શિક્ષણના રહેશે. જેમાં પ્રથમ સત્રમાં કુલ ૧૦૮ દિવસો શિક્ષણના રહેશે. બીજા સત્રમાં ૧૩૫ દિવસો શિક્ષણના રહેશે.
બોર્ડના નિયમ મુજબ છ સ્થાનિક રજાઓમાં દરેક જિલ્લામાં સ્થિતિ-પ્રસંગને અનુરૃપ સ્કૂલોમાં રજા અપાય છે .
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર વર્ષ દરમિયાન ૮૦ દિવસની રજા નક્કી કરવામાં આવી છે. જેમાં દિવાળી વેકેશનના ૨૧ દિવસ, ઉનાળું વેકેશનના ૩૫ દિવસ ,જાહેર રજાઓ ૧૮ દિવસ, સ્થાનિક રજાઓ ૬ દિવસની હોય છે. આ રજાઓ સિવાય રવિવારની રજાઓ અલગ હોય છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
