<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

પ્રભુ જગન્નાથજીને ખીચડીનો ભોગ ધરાવવાનું છે અનેરું મહત્‍વઃ ભગવાન કૃષ્‍ણના પસી ઉપાસક કર્માબાઇની યાદમાં ધરાવાય છેઃ ખીચડીનો ભોગ

અમદાવાદઃ આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.

માન્યતા અનુસાર જે ભક્તો રથયાત્રાનાં દર્શન કરે છે તેનો જીવનરથ ભગવાન જગન્નાથ હંકારે છે. અહીં ભગવાન જગન્નાથની પ્રાત:કાળમાં વહેલી સવારે 4 વાગ્યે પૂજા થાય છે. ભગવાનને વિવિધ પ્રકારનાં ભોજન અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. અમદાવાદનાં તેમજ ગુજરાતનાં અનેક સ્થળોએથી લોકો આ રથયાત્રામાં રંગેચંગે જોડાય છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.આ રથયાત્રા વિશે 'સ્કંદ પુરાણ', 'નારદ પુરાણ', 'પદ્મ પુરાણ' અને 'બ્રહ્મ પુરાણ'માં ૫ણ ઉલ્લેખ છે. હિન્દુ ધર્મમાં રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન જગન્નાથ અષાઢ સુદ બીજથી અગિયારસ સુધી લોકોની વચ્ચે રહે છે. આ સમયે તેમની પૂજા-અર્ચના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જો કોઇ રથયાત્રામાં સામેલ ન થઇ શકે તો ઘરે ૫ણ પૂજા-અર્ચના કરી શકે છે.

કોઈપણ પૂજાનું સમાપન આરતી દ્વારા કરવામાં આવે. આરતીનું મહત્ત્વ ભગવાનની પૂજા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવાનો છે. આરતી દ્વારા ભક્ત પોતાની પૂજામાં થયેલી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માગે છે. આરતી શબ્દ સંસ્કૃત શબ્દ 'અરાત્રિકા' પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ છે પ્રકાશ, જે રાત્રિના અંધકારને દૂર કરે છે. આરતી દ્વારા ભક્તની પૂજા પૂર્ણ થાય છે. આરતી હંમેશાં ગોળ આકારમાં કરવામાં આવે છે. આરતીનો નાદ મનને શાંતિ આપે છે. આરતીના દીવાથી ઘર અને મનમાંથી તમામ નકારાત્મક વસ્તુઓ દૂર થઈ જાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર જગન્નાથ પુરીમાં કર્માબાઈ ભગવાન કૃષ્ણની પરમ ઉપાસક હતી. તેઓ ભગવાનાને પોતાના પુત્રની જેમ સ્નેહ કરતાં હતાં. કર્માબાઈએ ભગવાનને પોતાના હાથે બનાવેલી ખીચડી ખાવા આપી. ઠાકોરજીને આ ખીચડી એટલી પસંદ આવી કે તેમણે કર્માબાઈને કહ્યું હતું કે મારા માટે તમે રોજ ખીચડી જ બનાવો. હું તમારા ઘરે આવીને ખાઈશ. એકવાર એક મહાત્મા કર્માબાઈના ઘરે પહોંચ્યા. તેમણે કર્માબાઈને કહ્યું, સવારે સ્નાન કરીને તમારે ભગવાનને ખીચડી આપવી જોઈએ. કર્માબાઈએ મહાત્માના જણાવ્યા અનુસાર ભગવાન માટે ખીચડી બનાવવાનું નક્કી કર્યું. ભગવાન જ્યારે ખીચડી આરોગવા આવ્યા તો કર્માબાઈએ કહ્યું, પ્રભુ હું હજી સ્નાન કરી રહી છું, એટલે થોડો સમય લાગશે. ભગવાનને ઉતાવળ હતી કારણ કે મંદિરનાં દ્વાર ખૂલવાનાં હતાં તેથી મોડું થઈ જતાં ભગવાને ઉતાવળમાં ખીચડી તો ખાધી પરંતુ એમાં રોજ જેવો સ્વાદ નહોતો. પાણી પીધા વિના જ ભગવાન મંદિર પહોંચ્યા. મંદિરની બહાર મહાત્માને જોઈને તેઓ બધું સમજી ગયાં.

મંદિરના કપાટ ખોલવામાં આવ્યા કે, પૂજારીએ જોયું કે ભગવાનાના મોં પર ખીચડી ચોંટેલી છે. પૂજારીએ જ્યારે પૂછ્યું તો ભગવાને કહ્યું, હું રોજ કર્માબાઈના ત્યાં જઈને ખીચડી ખાઉં છું પરંતુ આજે મોડું થયું. તમે મા કર્માબાઈને ઘરે જાઓ અને તેમને સમજાવો. પૂજારીના સમજાવ્યા બાદ સંત કર્માબાઈના ઘરે ગયા અને તેમની પાસે જઈને કહ્યું, તમે જેમ પહેલાં ખીચડી બનાવતાં હતાં એમ જ બનાવો. તમારા ભાવથી જ ઠાકોરજી ખીચડી ખાતા રહેશે. પછી એક દિવસ કર્માબાઈનું નિધન થયું. એ દિવસે પૂજારીએ મંદિરના પટ ખોલ્યા તો જોયું કે ભગવાની આંખમાં આંસુ હતાં. પૂજારીએ પૂછ્યું તો ભગવાને કહ્યું, હવે મને ખીચડી કોણ ખવડાવશે ? ત્યારથી જ રોજ કર્માબાઈની યાદ સાથે ભગવાનને રોજ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે.

મોસાળમાં કેરી, જાંબુ વધારે ખાવાથી ભગવાનને આંખો આવી જાય છે જેથી ભગવાનને રાહત થાય એ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્ર ઉત્સવ વિધિનું આયોજન કરવામાં આવે છે ભગવાન બીમાર હોય છે ત્યારે ફક્ત થોડા લોકોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે જેઓ જગન્નાથજીની સારવાર કરે છે. રથયાત્રાના દિવસે સવારની મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાનો નેત્રોત્સવ પૂર્ણ થાય છે. નેત્રોના ઉત્સવની સાથે મંદિર પર ધ્વજ લહેરાવવામાં આવે છે અને સંતોને ભોજન અર્પણ કરવામાં આવે છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરવામાં આવે છે. માન્યતા અનુસાર મંદિરની ટોચ પરનો ધ્વજ ભગવાનની આંખનું કામ કરે છે જેના દ્વારા તેઓ તેમના ભક્તોને જુએ છે. મંદિરના ધ્વજને જોવાથી ભગવાનનાં દર્શન જેટલું પુણ્ય મળે છે. જે દિવસે રથયાત્રા શરૂ થાય છે એ દિવસે સ્વર્ગમાં હાજર 33 કરોડ દેવી-દેવતાઓ પૃથ્વી પરની રથયાત્રામાં જોડાય છે.

રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. જગન્નાથ યાત્રામાં પહિંદ વિધિની શરૂઆત વર્ષ 1990માં કરવામાં આવી હતી. આ વિધિ પાછળની માન્યતા મુજબ રાજ્યનો રાજા જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગ સફાઈ કરે છે અને ત્યાર બાદ જ ભગવાન રથમાં બિરાજી નગરચર્યાએ નીકળે છે. આ વિધિને ઓડિશાના જગન્નાથ પુરીમાં થતી 'છેરા પેહરા' વિધિ અને

રથયાત્રામાં પ્રથમ આગમન નીલ માધવનું થાય છે. જગતના નાથ જે રથમાં સવાર થઇ ભક્તજનોને દર્શન દેવા નીકળે છે તે રથ ‘નંદિઘોષ’ના નામે ઓળખાય છે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે. પ્રભુના તમામ અશ્વ રંગ સફેદ છે અને તેમના રથના દારુકાજી સારથિ છે. જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. તેમના રથની ધજાને ત્રિલોક્યવાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને કહે છે શંખચૂડ. જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય 9 દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે.

રથયાત્રામાં દ્વિતીય આગમન થાય છે સુભદ્રાજીના રથનું. સુભદ્રાજીના રથનું નામ ‘કલ્પધ્વજ’ છે. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક જયદુર્ગા છે. તેમના રથ પરનો ધ્વજ નદંબિક તરીકે ઓળખાય છે. તેમના રથના અશ્વ રોચિક મોચિક જિતા અને અપરાજિતા છે. સુભદ્રાજીના રથ ખેંચવા જે દોરડાંનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડા કહે છે.

રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજી, તેમના રથનું નામ છે ‘તલધ્વજ’. આ રથ ‘બહલધ્વજ’ના નામે પણ પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના સારથિનું નામ છે મતાલી. જ્યારે રથના ચાર અશ્વના નામ છે ત્રીવ, ઘોર, દીર્ધાશ્રમ અને સુવર્ણનાભ. બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે. રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે. આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહે છે. બળભદ્રજીના રથમાં તેમની સાથે બિરાજમાન થાય નવ દેવતા છે. રથમાં બિરાજિત પ્રભુના ભક્તજનોને દર્શન દેવા નીકળે છે ત્યારે દર વર્ષે લાખોની જનમેદની ઊમટી પડે છે. નાથનાં આગમનની સાથે જ ભાવિક ભક્તો જય જગન્નાથના નાદ સાથે આકાશ અને આંગન ગજવી દે છે. આવેલાં પ્રભુના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે.

146 વર્ષ પહેલાં શરૂ થયેલી રથયાત્રા ખૂબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા. એ રથયાત્રામાં સાધુ-સંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલા રણછોડજી મંદિરમાં તમામ સાધુ-સંતોનું રસોડું રાખવામાં આવ્યું હતું. ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે. હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળું કરાય છે. સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખોની સંખ્યામાં આવેલા રથયાત્રિકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય આપે છે.

(1:36 PM IST)