<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

અરવલ્લીથી લઇને ભાવનગર સુધી, જુઓ ગુજરાતમાં અન્ય કયા-કયા શહેરોમાં ઉજવાય છે રથયાત્રાનો ઉત્સવ

આજે જુદા-જુદા શહેરોમાં રથયાત્રા નીકળીઃ ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન જગન્નાથની 252મી રથયાત્રા નીકળી.

 

આજે અષાઢી બીજના દિવસે દેશભરમાં વિવિધ સ્થળો પર જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ સિવાય પણ વિવિધ જગ્યાઓએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર, અરવલ્લી, રાજકોટ, ડાકોર જેવા સ્થળોએ પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું. ભાવનગરમાં રથયાત્રા પૂર્વે દર્શન કરવા સંતો મહંતો તેમજ ભક્તજનોનું ઘોડાપૂર ઉમટ્યું. ભાવનગરની 39મી રથયાત્રાનું રાજવી પરિવાર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું. ભાવનગરમાં 17.5 કિલોમીટર લાંબી રથયાત્રામાં 100થી વધુ ટ્રક જોડાયા. આ સાથે રથયાત્રામાં અશ્વ અને ગજરાજ સાથે બેન્ડની સુરાવલી જોવા શહેરભરથી લોકો ઉમટ્યા. શહેરમાં રથયાત્રાના આયોજન અને સુરક્ષામાં 4 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુભાષ નગર ભગવાનેશ્વર મંદિરથી શરૂ થયેલી રથયાત્રાથઈ આખું શહેર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાન જગન્નાથજીના રથને સોળે શણગાર સજાવવામાં આવ્યો છે. ભોંય સમાજના યુવકો રથને ખેંચી રહ્યા છે.

અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી ખાતે શામળિયાનું આયોજન કરવામાં આવ્યું છે. નવા બનાવાયેલ રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી છે. રથયાત્રા મંદિર પરિસરમાં સાત આંટા ફેરવાઈ. ભગવાન શામળીયાને પણ વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યા. અનેક ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા. મંદિરના ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઇ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા. રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાયો.

રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઇ આખા શહેરમાં રથયાત્રા નીકળી છે. આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુસંત અને રાજકીય લોકો જોડ્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી છે.

આજે અષાઢી બીજ નિમિતે ડાકોરમાં ભગવાન જગન્નાથની 252મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભગવાનનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા. ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા. ત્યારે આશરે 9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા નીકળી છે. રથયાત્રામાં ભજન મંડળીઓ, સેવાકિય સંસ્થાઓ જોડાયા.

(1:51 PM IST)