<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ચોમાસુ ફરી વળાંક લેશે :અષાઢી બીજના દિવસે થયેલી વીજળીના આધારે અંબાલાલ પટેલની કેટલીક આગાહી

અંબાલાલ પટેલે ચોઘડિયાં અને મહત્વની તિથિઓના આધારે અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂડ કેવો રહેશે તે અંગેની કેટલાક સંભાવનાઓ વ્યક્ત કરી

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અને ખેતીની જાણકાર અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાની અને વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ ચોઘડિયાં અને મહત્વની તિથિઓના આધારે આગાહી કરે છે જેમાં હવે તેમણે અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂડ કેવો રહેશે તે અંગેની કેટલાક સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અટકી ગયેલા ચોમાસાએ રાજ્યમાં ઠેરઠેર રમઝટ બોલાવી હતી, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ નોંધાયો હતો.

જોકે, પાછલા એક અઠવાડિયાથી વરસાદે જાણે બ્રેક મારી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોળીની જ્વાળા, ટીટોડીના ઈંડા, પ્રાણીઓ અને પ્રકૃતિની હલચલ પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા ગુજરાત તથા દેશના હવામાનની આગાહી કરવામાં આવે છે ત્યારે હવે તેમણે અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે થયેલી વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.

  અષાઢી બીજની રાત્રે કરેલી કરેલી વાતચીતમાં જણાવ્યું કે, આકાશમાં વાદળો છે, અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી થઈ છે. જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ છે. તારીખ 8, 9 અને 10માં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણાં ભાગોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.

આ સાથે તેમણે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ સાથે તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતાઓ છે તેવું પણ અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, મુંબઈમાં થયેલા ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી સાબિત થઈ રહી છે, કેટલાક માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદની અસર મુંબઈ લોકલ પર પણ પડી રહી છે.

(1:24 PM IST)