<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્‍ચે આજથી પાંચ દિવસ હળવાથી મધ્‍યમ વરસાદ પડી શકે

આજે કાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અને બુધવારે સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોમાં છાંટા પડશે

અમદાવાદ : રાજ્‍યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે. રાજ્‍યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્‍યાર સુધીમાં ૮ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ૨૩ ટકા વરસાદ નોંધાયો છે. ત્‍યારે  રાજ્‍યમાં આજે (૮ જુલાઇ) અને આવતીકાલે (૯ જુલાઇ)એ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. 

હવામાન વિભાગ જણાવાયું છે કે ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે, આજે (૮ જુલાઇ) એ વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્‍ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્‍ય વરસાદ પડી શકે છે.જયારે ૯ જુલાઈના મોટાભાગના વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શકયતા ઓછી રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોમાં હળવા  છાંટા પડી શકે છે. જ્‍યારે દક્ષિણ-પશ્વિમ દિશામાંથી ૧૦-૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ગરમી વધુ અનુભવાશે, મહત્તમ તાપમાન ૩૬  ડીગ્રી સુધી પહોંચી શકે છે. જ્‍યારે  દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શકયતા થોડી વધુ રહેશે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન ૩૨ ડીગ્રી આસપાસ રહેશે.

૧૦ જુલાઇએ (બુધવાર)  કચ્‍છ જિલ્લામાં સામાન્‍ય વરસાદ પડી શકે છે, જ્‍યારે સૌરાષ્‍ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્‍યારે ૧૧ જુલાઇ (ગુરૂવાર) એ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૨ જુલાઇ (શુક્રવાર) એ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

(4:59 PM IST)