<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રાજપીપળામાં સરકારી દવાખાનાઓમાં એસિડિટી સહિત કેટલીક દવાઓ નહિ મળતા દર્દીઓને મુશ્કેલી

સરકારમાંથી જ જથ્થો નહિ આવતા સ્થાનિક દર્દીઓને બહારના મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી પડતી હોય તો સરકારના આયોજન પર ઉઠ્યા પ્રશ્ન:ચારેક મહિનાથી દવા બાબતે તકલીફ ઊભી થતાં હાલ બજારમાંથી વેચાતી દવા લેવા દવાખાના વાળા પણ મજબૂર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના દવાખાનામાં એસિડિટી સહિતની કેટલીક દવાઓનો સ્ટોક નહિ હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
   જાણવા મળ્યા મુજબ લગભગ ચારેક મહિનાથી સરકારમાંથી કેટલીક દવાઓનો જથ્થો આવતો નથી માટે કેટલીક વખત તો બહાર ના સ્ટોરમાંથી વેચાતી દવા લઈ દર્દીઓને આપવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે દર્દી ને ડોકટર દવા લખી આપે અને એ દવા હોસ્પિટલ કે દવાખાનામાં સ્ટોકમાં ના હોય તો ગરીબ અને બિમાર દર્દીઓએ રૂપિયા ખર્ચીને બહારના મેડિકલ સ્ટોરમાંથી ન છૂટકે દવા લેવી પડે છે માટે સરકાર ના આયોજન પર પણ સવાલ ઉઠ્યા છે.
   જોકે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઘણા સમયથી ગુજરાત સરકારમાંથી ઘણા સમયથી એસિડિટીની દવા આવતી નથી જેના કારણે વેચાતી દવા લઈ દર્દીઓને અપાઈ છે ત્યારે જો આ બાબત સાચી હોય તો મફત સારવાર નો શું મતલબ..?! ડોકટરો ખાલી દર્દીને તપાસે અને દર્દીએ દવા બહારથી વેચાતી લેવાની હોય તો નર્મદા જિલ્લાના ગરીબ દર્દીઓ ને આર્થિક ફટકો પડશે એ બાબત સાચી છે માટે આ જિલ્લાની હોસ્પિટલ અને દવાખાનામાં દરેક જરૂરી દવા બાબતે યોગ્ય આયોજન થાય એ જરૂરી છે.

(11:06 PM IST)