News of Wednesday, 10th July 2024
અગ્નિકાંડના પીડિતોને ગાંધીનગર તેડાવી સાંભળતા મુખ્યમંત્રી
રાહુલ ગાંધીએ દિલ્હીથી અમદાવાદ આવીને આંસુ લૂછયા બાદ મુખ્યમંત્રી પણ રૂબરૂ મળ્યા ૨૦ જેટલા પરિવારજનો મળ્યા : કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સહિતની માંગણીઓ અંગે ભૂપેન્દ્રભાઇનો હકારાત્મક પ્રતિભાવ : શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાતરી

રાજકોટ તા. ૧૦ : શહેરના ગેમ ઝોનમાં ૨૫ મે એ બનેલી અગ્નિકાંડની ચકચારી ઘટનામાં જીવ ગુમાવનારા ૨૭ લોકોના પરિવારજનોને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું તેડુ આવતા શહેર ભાજપ સંગઠનના માધ્યમથી ગાંધીનગર પહોંચી ગયા હતા. બપોરે સી.એમ. બંગલે મુખ્યમંત્રી સાથે મુલાકાત થયેલ. ૨૭ પૈકી ૨૪ મૃતકોના ૨૦ જેટલા પરિવારજનો મુખ્યમંત્રીને મળવા ગયેલ. મુખ્યમંત્રી સમગ્ર પ્રકરણની કડક તપાસ કરાવી જવાબદારોને આકરી સજા કરાવવાનું આશ્વાસન આપેલ. પીડિતો ન્યાય ઝંખી રહ્યા છે.
પીડિત પરિવારોએ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા, સ્થાનિક અને હાઇકોર્ટમાં નિપૂર્ણ વકિલો આપવા તેમજ જરૂરીયાતમંદ અસરગ્રસ્ત પરિવારો માટે રોજગારીની વ્યવસ્થા કરવા સહિતની માંગણી અંગે લેખીત અને મૌખીક રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ સહાનુભૂતિ દર્શાવી શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી.
પીડિત પરિવારો સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રીઓ અશ્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા વગેરે રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપેલ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારોને મળ્યા હતા. હવે મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને રૂબરૂ બોલાવી લાગણીથી સાંભળતા પીડિત પરિવારોને ન્યાયની આશા વધી છે
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
