<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અમિત મજેઠિયાએ બેટિંગથી મળેલું કાળું નાણું અલગ અલગ રીતે દુબઇ ટ્રાન્‍સફર કર્યું છે : આ નાણું ટ્રાન્‍સફર કરવા માટે ક્રિપ્‍ટો કરન્‍સી, ATM, RTGS અને હવાલાનો ઉપયોગ કર્યો છે : પોલીસ રેકોર્ડ પ્રમાણે ૩ લાખ જેટલા બેંક ટ્રાન્‍ઝેક્‍શન પણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ

૧૨૦૦ કરોડનું કૌભાંડ : સટ્ટાકિંગ અમિત મજેઠિયા શ્રીલંકામાં છૂપાયો હોવાની આશંકા શ્રીલંકાથી અમિત મજેઠિયાને ભારત લાવવા સીઆઇડી ક્રાઇમની કાર્યવાહી શરૂ : સીઆઇડી ક્રાઇમે ૧૧ આંગડિયા પેઢી પર પાડવામાં આવેલા દરોડામાંથી જે ૧૮ કરોડ રોકડા અને સોનું મળ્‍યું છે તેમાં અમિત મજેઠિયાની સંડોવણી બહાર આવી હતી

અમદાવાદ, તા.૧૨: ૧૨૦૦ કરોડના સટ્ટા કૌભાંડમાં સટ્ટાકિંગ અમિત મજેઠિયાને સીઆઇડી ક્રાઇમ શોધી રહી છે. ત્‍યારે હવે સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્‍યું છે કે, અમિત શ્રીલંકામાં છુપાયેલો છે. જેથી સીઆઇડી ક્રાઇમે આરોપી અમિતનું સીઆરપીસીની કલમ ૭૦ મુજબ વોરંટ મેળવ્‍યું છે. હવે વોરંટના આધારે એમ્‍બેસીને જાણ કરી આરોપીને શ્રીલંકાથી ભારત લાવવા સીઆઇડી ક્રાઇમે કાર્યવાહી શરૂ કરી છે. તેમ નવ ગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

માધુપુરાના ૨૦૦૦ કરોડના સટ્ટાકાંડમાં સટ્ટાકિંગ ગણાતા અમિત મજેઠિયાનું નામ બહાર આવ્‍યું હતું.ત્‍યારબાદ સીઆઇડી ક્રાઇમે આ મામલે તપાસ શરૂ કરી હતી. થોડા સમય પહેલાં સીઆઇડી ક્રાઇમે ૧૧ આંગડિયા પેઢી પર પાડવામાં આવેલા દરોડામાંથી જે ૧૮ કરોડ રોકડા અને સોનું મળ્‍યું છે તેમાં અમિત મજેઠિયાની સંડોવણી બહાર આવી હતી. ત્‍યારબાદ એવી પણ વિગત ખુલી હતી કે, ઓનલાઇન એપ મારફતે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડ્‍યા બાદ જુદા જુદા ખાતામાં પૈસા ટ્રાન્‍ફર કરવામાં આવ્‍યા છે. જેમાં હેમંત ટ્રેડિંગના એકાઉન્‍ટમાં એક જ વર્ષમાં રૂ.૩૪૨ કરોડ, શિવમ ટ્રેડિંગના ખાતામાં રૂ.૬૩૬ કરોડ અને ખોનાજી વાઘેલાના એકાઉન્‍ટમાં રૂ.૨૧૭ કરોડના ટ્રાન્‍ઝેક્‍શન થયા હતા. આ ઉપરાંત  ૩૫ ખાતામાં ૧૨૦૦ કરોડનું ટ્રાન્‍ઝેક્‍શન મજેઠિયા એન્‍ડ કંપની દ્વારા કરવામાં આવ્‍યું હોવાનું સામે આવ્‍યું હતું. આ ખાતા આરોપીઓએ કમિશન આપવાના બહાને સામાન્‍ય લોકો પાસેથી તેમના મોબાઈલ નંબર અને આધારકાર્ડ લીધા. ત્‍યારબાદ તેના પરથી લાખો ઇ-મેઇલ એકાઉન્‍ટ બનાવ્‍યાં. આરોપીઓએ લોન દ્વારા અથવા વધારાની આવક તરીકે ભારે વળતરના બદલામાં ખાતાધારકોને લાલચ આપી મની લોન્‍ડરિંગ કર્યું હતું. તેના બદલામાં આરોપીઓએ દસ્‍તાવેજો બનાવ્‍યા, સિમ કાર્ડ ખરીદ્યા અને તેમના નામે કંપનીઓ રજિસ્‍ટર કરી. તેઓએ ખાતાધારકોની નકલી સહીઓ રજૂ કરીને બોગસ કંપનીઓના નામે નકલી ઈ-મેઇલ આઈડી તેમજ બેંક ખાતા ખોલાવ્‍યાં હતાં. ભારતમાં નિકાસ અને આયાત કરવાની મંજૂરી આપતી આ કંપનીઓ માટે ‘ડાયરેક્‍ટર ઓફ ફોરેન ટ્રેડ' ( DGFT) પાસેથી લાઇસન્‍સ મેળવવા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્‍ત આખુંય કૌભાંડ બહાર આવ્‍યા બાદ મજેઠિયા સહિત સાત સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જો કે, જુદી જુદી જગ્‍યાએ અમિત મજેઠિયાની તપાસ કરવા છતાં તે મળ્‍યો ન હતો. બીજી તરફ તે દુબઇ હોવાની માહિતી બહાર આવતા પોલીસે ખાનગી રીતે તપાસ કરી હતી. આ દરમિયાન સીઆઇડી ક્રાઇમે આરોપી અમિત મજેઠિયાનું સીઆરપીસીની કલમ ૭૦ મુજબ વોરંટ મેળવવા અરજી કરી હતી. જેમાં કઇ કઇ જગ્‍યાએ આરોપીની તપાસ કરવામાં આવી સહિતની વિગત મૂકવામાં આવી હતી. ઉપરાંત આરોપી હાલ શ્રીલંકા હોવાની વિગત પણ કોર્ટમાં જણાવવામાં આવી હતી. ત્‍યારબાદ કોર્ટે આરોપી અમિત મજેઠિયાનું સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરંટ ગ્રાહ્ય રાખ્‍યું છે.

કોની કોની સામે ૧૨૦૦ કરોડની ફરિયાદ

અમિત મજેઠિયા (અમદાવાદ)

ઓમશંકર તિવારી (નવી દિલ્‍હી)

ભાવેશ સચાણિયા (જૂનાગઢ)

અશ્વિન સચાણિયા (જૂનાગઢ)( ૨૭ જાન્‍યુઆરી ૨૦૨૪ ધરપકડ)

ધનંજય પટેલ (બાલાસિનોર)

વિકી (અમદાવાદ)

ભાવેશ જોષી (બનાસકાંઠા)

અશ્વિન સચાણિયા સામે સીઆઇડી ક્રાઇમે ચાર્જશીટ કરી છે

આ મામલે હજુ સુધી એક જ આરોપી અશ્વિન સચાણિયાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સીઆઇડી ક્રાઇમે હજારો પાનાની ચાર્જશીટ મેટ્રોપોલિટન કોર્ટમાં કરી છે. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્‍યો છે કે, સામાન્‍ય માણસોને લોન અને કમિશનની લાલચમાં ફસાવવા માટે આ બેટિંગ રેકેટને લઈ વિવિધ અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી. જેમાં હજારો લોકો સટ્ટો ઓનલાઇન રમતા હતા. આરોપીઓએ મજૂરો, ખેડૂત, ડિલિવરી બોય જેવા સામાન્‍ય લોકોના દસ્‍તાવેજ મેળવી ડમી બેંક એકાઉન્‍ટનો ઉપયોગ પૈસા ટ્રાન્‍સફર કરવા કર્યો હતો. આરોપીઓએ થોડા જ વર્ષોમાં ૧૨૦૦ કરોડના ટ્રાન્‍ઝેક્‍શન કરી કૌભાંડ આચર્યું છે.

આઇટી, ઇડી વિભાગની તપાસ જારી

અમિત મજેઠિયાએ બેટિંગથી મળેલું કાળું નાણું અલગ અલગ રીતે દુબઇ ટ્રાન્‍સફર કર્યું છે. આ નાણું ટ્રાન્‍સફર કરવા માટે ક્રિપ્‍ટો કરન્‍સી, ATM, RTGS અને હવાલાનો ઉપયોગ કર્યો છે. પોલીસ રેકોર્ડ પ્રમાણે ૩ લાખ જેટલા બેંક ટ્રાન્‍ઝેક્‍શન પણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ બાદ આ મામલે આઇટી અને ઇડીએ પણ મની લોન્‍ડરિંગ મામલે તપાસ આદરી છે.(

(3:41 PM IST)