News of Saturday, 13th July 2024
ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત કરતા ભારતમાં બ્રિટીશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે : બ્રિટન મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું

ગાંધીનગર તા. ૧૩ : ભારતમાં બ્રિટનના ડેપ્યુટી હાઈકમિશનર ક્રિસ્ટીના સ્કોટે આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું.
તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત-ગુજરાત સાથે એનર્જી, પીપલ ટુ પીપલ કનેક્ટ અને એન્વાયરમેન્ટના સેક્ટર્સમાં સંબંધો વિસ્તારવા ઉત્સુક છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ ખાસ કરીને વિન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સહભાગીતાની તત્પરતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત આગામી ઓલમ્પિક્સના આયોજન માટેની તૈયારી કરી રહ્યું છે તે સંદર્ભમાં બ્રિટનની સ્પોર્ટ્સ સેક્ટરની વિશેષતા અને તજજ્ઞતાનો અનુભવ ગુજરાતને મળે તે માટે ફળદાયી ચર્ચાઓ હાથ ધરી હતી.
ખાસ કરીને આવી ગેઇમ્સ માટેના ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, ગેઇમ્સ પૂર્ણ થયા પછી લાંબાગાળા માટે તે ઇન્ફ્રાસ્ટ્રકચરનો લોકોપયોગ વગેરે અંગે જાણવામાં મુખ્યમંત્રીશ્રીએ ઊંડો રસ દાખવ્યો હતો.
બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનરશ્રીએ NFSU સાથે સાયબર ટેકનોલોજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઈલેક્ટ્રીફાયિંગ સુવિધાઓના વિસ્તૃતિકરણમાં બ્રિટન સહયોગ કરી રહ્યું છે તેની પણ વિગતો આ બેઠકમાં આપી હતી.
તેમણે ભારતમાં એનર્જી ડિપાર્ટમેન્ટ અને નીતિ આયોગ દ્વારા વિન્ડ પાવર જનરેશનના નવા રેગ્યુલેશન્સમાં બ્રિટન શરૂઆતથી સહયોગ કરે છે તેની વિગતો આપી હતી.
ગિફટ સિટીમાં પણ યુ.કે.ની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગેના વિષયે પણ ચર્ચાઓ આ સૌજન્ય મુલાકાતમાં હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવ અવંતિકા સિંઘ, OSD એ.બી.પંચાલ તેમજ GIDCના એમ.ડી. રાહુલ ગુપ્તા આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
