<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

બાગાયતી ખેતીની આધુનિક તાલીમ માટે ચાર નવા કેન્‍દ્રો ખોલાશે

એક કેન્‍દ્ર અમરેલીને મળશે : રાઘવજી પટેલ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૩ : રાજય સરકારે ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને પ્રોત્‍સાહન આપવા રાજય સરકારે મહત્‍વપૂર્ણ નિર્ણય કર્યો છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્‍યું હતું.

તેમણે કહ્યું હતું કે, બાગાયતી ખેતીમાં સફળતા માટે અદ્યતન પદ્ધતિ, તકનીકો અને ઉત્‍પાદન કૌશલ્‍યની ખાસ જરરૂરિયાત રહે છે. રાજયના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા તેમજ યોગ્‍ય માર્ગદર્શન પૂરૂં પાડવા રાજય સરકારેᅠગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ સ્‍થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજય સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે સેન્‍ટર દિઠ રૂ. ૧૦ કરોડ મળી કુલ રૂ. ૪૦ કરોડ રકમ ફાળવવામાં આવી છે.

 મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલએ ઉમેર્યું હતું કે, આ સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ કાર્યરત થતા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને તેનો લાભ મળશે સાથે જ અન્‍ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન મળશે. આમ, રાજયમાં બાગાયત ખાતા દ્વારા કુલ ૧૭ સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ કાર્યરત થશે. નવા સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સને વધુ આધુનિક બનાવવામાં આવશે.

આ કેન્‍દ્રો ખાતે શાકભાજી, ફળ અને મસાલા પાકોના ટેકનોલોજી આધારિત નિદર્શન, આધુનિક નર્સરી, પાક કૌતુકાલય, રક્ષિત ખેતીના નિદર્શનો, ટ્રેનીંગ કેન્‍દ્ર, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ, વોટર હાર્વેસ્‍ટ સ્‍ટ્રક્‍ચર, સંકલિત પેક હાઉસ અને સંગ્રહ વ્‍યવસ્‍થા જેવી સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

(12:32 PM IST)