News of Saturday, 13th July 2024
વલસાડ ૬, પારડી ૪ાા, વાપીમાં ૪ ઇંચ
દક્ષિણ ગુજરાતમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત

અમદાવાદ, તા.૧૩: ગુજરાતમાં મેઘરાજા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. શુક્રવારના રોજ રાજ્યના ૧૬૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકયો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. એમાં પણ વલસાડ અને નવસારીમાં સાર્વત્રિક વરસાદ ખાબકયો છે. ત્યારે જાણો કયાં કેટલો વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૬ ઈંચથી વધુ, પારડીમાં સાડા ચાર ઈંચ, વાપીમાં ચાર ઈંચ, ઉમરગાંવમાં પોણા ચાર ઈંચ, ધરમપુરમાં ત્રણ ઈંચ અને કપરાડામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી, ખેરગામ અને નવસારી તાલુકામાં પાંચ ઈંચથી વધુ, ચીખલી અને જલાલપોરમાં ચાર ઈંચથી વધુ અને વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ ખાબકયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૪૮ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૨૦ તાલુકામાં સામાન્યથી ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આજે હવામાન વિભાગ દ્વારા ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
