<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

શહેરના ધાર્મિક બાંધકામોના હોલમાં પણ ફાયર NOC ફરજિયાત

સમાજની વાડીઓને બિલ્‍ડીંગ પરમીશન સર્ટીફીકેટની રાહત

રાજકોટ તા. ૧૩: રાજય સરકારની સૂચના અન્‍વયે મહાનગરપાલિકાએ શહેરમાં સરકારી જગ્‍યા તેમજ રિઝર્વેશન પ્‍લોટ ઉપર અને રોડ રસ્‍તાને અડચણરૂપ થયેલા ધાર્મિક સંસ્‍થાનો સર્વે કરી ૨૦૦૦થી વધુ સંસ્‍થાઓને નોટીસ આપવામાં આવી છે.

મનપાના સતાવાર સુત્રોએ જણાવ્‍યું હતુ કે ધાર્મિક બાંધકામના હોલમાં બાંધકામો જયાં વધુલોકો એકઠા થતાં હોય તેવા મંદિરોને બીયુ અને ફાયર એનઓસીનો નિયમ લાગુ પડશે જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

અગ્નિકાંડ દુર્ઘટના બાદ બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે તમામ એકમોમાં ચેકીંગ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં મુખ્‍યત્‍વે વધુ લોકો એકઠા થતાં હોય તેવા સ્‍થળોએ ફાયરના સાધનો લગાવી ફાયરએનઓસી મેળવી ફરજિયાત છે. તેમજ બાંધકામ પરમીશન લેવાની રહે છે. આથી અમુક ધાર્મિક સ્‍થળોએ માટે અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવી હોય છે. તેમના માટે હોલ અથવા રૂમ રખાયો હોય ત્‍યાં આગની દુર્ઘટના સમયે ઈમરજન્‍સી કામગીરી માટે ફાયર સફટીના સાધનો જરૂરી બને છે. આથી આ પ્રકારના હોલમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો હોવા ફરજિયાત બનાવવામાં આવ્‍યા છે.

સમાજની વાડીઓને બીયુમાં રાહત

બીયુ સર્ટી અને ફાયર એનઓસી અંતર્ગત સમાજની વાડીઓ સીલ કરવામાં આવી છે. જે મુદ્દે હોબાળો બોલી જતાં અને અનેક પરિવારોના પ્રસંગો અટકાઈ જતાં હવે કોર્પોરેશન દ્વારા સમાજની વાડીઓ મુદ્દે નિર્ણય લેવામાં આવ્‍યો છે. નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો ફીટ કર્યા બાદ ફાયર એનઓસી મેળવી લેવાની રહેશે. જયારે વર્ષો પહેલા બનાવવામાં આવેલ સમાજની વાડીઓના જૂના બાંધકામોમાં ફેરફાર કરવા માટે સમયની માંગણી કરવામાં આવતા બીયુ સર્ટી મુદ્દે હવે સમય આપવામાં આવશે અને ફાયર એનઓસી રજૂ કર્યા બાદ વાડીઓના સીલ ખોલી આપવામાં આવશે. તેમ ફાયર વિભાગમાંથી જાણવા મળશે.

(3:31 PM IST)