<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

સુરત :પોલીસે ચોરાયેલો મુદ્દામાલ મૂળમાલિક મહિલાને પરત કર્યો

પતિના બારમાની વિધિમાં આવેલા મિત્રએ મોબાઈલ ચોરી રૂ. 3 લાખ ટ્રાન્સફર કર્યાં હતા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત

સુરત :શહેરના કાપોદ્રા વિસ્તારમાં નાનપણના મિત્રની જ બારમાંની વિધિમાં આવેલા મિત્રએ મોબાઈલ ફોન ચોરી કરી લીધો હતો. જે મોબાઈલ ફોનમાં ગુગલ પે મારફતે 3 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કરી લીધા હતા. આ બનાવમાં પોલીસે આરોપીને જે-તે સમયે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોરીમાં ગયેલો 3.10 લાખની કિંમતનો મુદામાલ પણ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.

સુરત શહેરના કાપોદ્રા નાના વરાછા જલારામ સોસાયટીમાં નિકુંજભાઈ ગોવિંદભાઈ ગજેરાની ગત 28-5-2024ના રોજ બારમાં/પાણી ઢોળની વિધિ હતી. આ દરમ્યાન તેઓની પત્ની ઉપયોગ કરતા મોબાઈલ ફોનની ચોરી થઇ હતી. જે બાદ ગુગલ પે મારફતે 3 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી લેવાયા હતા. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

કાપોદ્રા પોલીસે આ બનાવમાં આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી મૃતક નીકુલભાઈ ગોવિંદભાઈ ગજેરાનો નાનપણનો મિત્ર હતો અને એકબીજાના ઘરે અવર જવર હોય આરોપીએ નીકુલભાઈ અને તેની પત્નીના મોબાઈલ ફોન તથા ગુગલ પે ના પાસવર્ડ જાણી લીધા હતા.

નીકુલભાઈન ગુજેરાનું કેન્સરની બીમારીના કારણે 17-05-2024 ના રોજ અવસાન થયું હતું અને 28-5-2024ના રોજ બારમાં/પાણી ઢોળની વિધિ હતી આ દરમ્યાન આરોપી મિત્ર સંદીપ પણ ત્યાં આવ્યો હતો અને તેણે 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કર્યા બાદ 3 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ચોરી લીધા હતા. આ દરમ્યાન કાપોદ્રા પોલીસે તેરા તુજકો કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલો 3.10 લાખની કિમંતનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો છે.

કાપોદ્રા પોલીસ મથકના પી.આઈ. એમ. બી. ઔસુરાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 28-5-2024ના રોજ નાના વરાછા સ્થિત જલારામ સોસાયટીમાં નિકુંજભાઈની પાણી ઢોળની વિધિમાં કોઈ ઇસમ નિકુંજભાઈની પત્નીનો મોબાઈલ ફોન ચોરીને લઇ ગયો હોવાની ફરિયાદ ઈ-એફઆરઆઈ આધારે મળી હતી. જેની તપાસ દરમ્યાન મોબાઈલ ફોન ચોરી થયો હતો, તે મોબાઈલમાં રહેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આથી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરીને આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈની ધરપકડ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, આરોપી મૃતક નિકુંજભાઈનો મિત્ર જ હતો અને તે બારમાંની વિધિમાં આવ્યો હતો અને ત્યાંથી મોબાઈલ ફોન ચોરી પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે 3 લાખ રૂપિયા બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. આરોપી પાસેથી 3 લાખ અને મોબાઈલ ફોન રીકવર કર્યો હતો. આ બનાવમાં ફરિયાદીએ મુદામાલ છોડાવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પોલીસ દ્વારા તેઓની મદદ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટના હુકમ આધારે આ સંપૂર્ણ મુદામાલ તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત નિકુંજભાઈના પત્નીને પરત કરવામાં આવ્યો હતો.

(8:31 PM IST)