News of Sunday, 14th July 2024
તોફાની કાનૂડો લખેલા બાઈક સાથે રીઢો ચેઈન સ્નેચર અને દાગીના ખરીદનાર ઝડપાયા
જેલમાંથી છૂટીને રહીમ ગુનાહિત પ્રવૃતિઓ આચરતો રહેતો હતો : સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો

ગાંધીનગર, તા.૧૪,
'તોફાની કાનૂડો' લખેલા બાઈક લઇને સોનાના દોરા તોડનાર રીઢો ચેઈન સ્નેચર અને દાગીના ખરીદનારને સેક્ટર-૭ પોલીસે ઝડપી પાડી આઠ ગુનાનો પર્દાફાશ કર્યો છે. હજુ બીજા ચેન સ્નેચરને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના છેલ્લામાં ચેઈન સ્નેચિંગના ગુના વધતાં સેકટર - ૭ પોલીસ મથકના પીઆઈ બી.બી ગોયલે ચેઇન સ્નેચિંગનાં અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજની તપાસ આદરી સાથે બાતમીદારોને એક્ટિવ કર્યા હતા. ત્યારે બે શખ્સ તોફાની કાનૂડો લખેલા બાઈક ઉપર જતાં સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા. તેમને શોધવા માટે પીએસઆઇ આરતી અનુરકર સહિતની ટીમે બાતમીના આધારે સેકટર - ૧૫ વિસ્તારમાં ફરતાં રહીમ ઉર્ફે ભુરો મહમંદ હસેન ખોખરને (પેથાપુર,ગાંધીનગર) દબોચી લીધો હતો. તેની પાસેથી રૂ. ૧.૯૭ લાખથી વધુના દાગીના મળતાં પોલીસે કડકાઈથી પૂછતાંછ કરતા રહીમે તેના સાગરિત ઇમરાનશા યાસીનશા દિવાન (જુહાપુરા, અમદાવાદ) સાથે મળીને સેકટર - ૨૧, સેકટર - ૭, અડાલજ, ચીલોડા, હિંમતનગર શહેર તેમજ વડનગર મળીને કુલ. ૮ ગુના આચર્યાની કબૂલાત કરી હતી. દરમિયાન ચેઈન સ્નેચિંગ ચોરીનો મુદ્દામાલ સેકટર-૨૪ ઝણકાર જવેલર્સનાં પાર્થ વિજયભાઇ જયસ્વાલ (સે - ૨૪, ગાંધીનગર)ને વેચ્યા હોવાની કેફિયત જણાવતા પોલીસે જ્વેલર્સ પાર્થ જયસ્વાલની પણ ધરપકડ કરી હતી.
પેથાપુરનાં રીઢા ચેઈન સ્નેચર રહીમ ઉર્ફે ભૂરો વિરુદ્ધ સેકટર - ૭, ૨૧, ચીલોડા, દહેગામ, માણસા, વિસનગર અને કડી પોલીસ મથકમાં ગુજસીટોક, પ્રોહિબિશન, ચોરીના ગંભીર ગુના નોંધાયેલા છે. તે જેલમાંથી છૂટીને રહીમ ગુનાહિત પ્રવૃતિઓ આચરતો રહેતો હતો. જેની ધરપકડ કરી વોન્ટેડ આરોપી ઇમરાનશા દિવાનને પણ પકડી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
