<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

પાંચ જગ્યા માટે હજારો યુવાનો નોકરી માટે ગયા, તે દર્શાવે છે કે ગુજરાતમાં ભયંકર બેરોજગારી છે: ચૈતર વસાવા

અંકલેશ્વરની હોટલમાં પાંચ સીટની ભરતી માટે હજારો બેરોજગાર યુવાનો નોકરી માટે પહોંચ્યા, અફરા તફરી સર્જાઈ:છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં પણ ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાની ભરતી માટે લોર્ડ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યૂ રાખ્યું હતું. આ ઇન્ટરવ્યૂ વિશે જાણ થતા જ આસપાસના વિસ્તારના હજારો યુવાનો નોકરીની ઉમ્મીદે આ હોટલે પહોંચી જાય છે અને ત્યાં અચાનક જ અફરા તફરીનો માહોલ સર્જાય છે અને એક રેલિંગ પણ તૂટી જાય છે. ફક્ત પાંચ જગ્યાની ભરતી માટે હજારો યુવાનો નોકરી માટે આવી પહોંચ્યા છે તે દર્શાવે છે કે ગુજરાતમાં કેટલી ભયંકર બેરોજગારી છે.
એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પુરા દેશમાં રજૂ કરે છે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં પણ ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે. ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષિત યુવાનો બેરોજગાર છે તેનાથી મને લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા સમગ્ર ગુજરાતમાં મોટા પાયે આંદોલન થવા જઈ રહ્યા છે.

(9:33 AM IST)