<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ગુજરાત કોલેજ સહિત ૧૦થી વધુ સરકારી કોલેજોમાં આચાર્યની જગ્‍યા ખાલી

કેટલાકને પ્રિન્‍સિપાલ તરીકે જવું નથી, તો અમુકને ફરજિયાત બેસાડવામાં આવ્‍યા : નિવૃત્તિના કારણે ખાલી પડેલી જગ્‍યા ભરવા માટે કોઇ કામગીરી ન થતાં મુશ્‍કેલી

અમદાવાદ,તા. ૨૫: રાજયની જુદી જુદી સરકારી યુનિવર્સિટી સાથે સંકળાયેલી ૧૦ કોલેજોમાં આચાર્યની જગ્‍યા ખાલી પડી છે. કેટલાય સમયથી આ જગ્‍યાઓ ખાલી હોવા છતાં તેના ભરવા માટેની કાર્યવાહી શરૂ ન થતાં હાલમાં ઇન્‍ચાર્જ પ્રિન્‍સિપાલથી કામગીરી ચલાવવી પડી રહી છે. કેટલાક સિનિયર પ્રોફેસર કે જેઓ પ્રિન્‍સિપાલની જગ્‍યા માટે લાયક છે તેમને હાયર એજયુકેશન ડિપાર્ટમેન્‍ટમાં અને કેસીજી જેવા સરકારી ડિપાર્ટમેન્‍ટમાં વર્ષોથી બેસાડી રાખવામાં આવતાં સરકારી કોલેજોમાં ભારે અરાજક્‍તાભરી સ્‍થિતિ ઊભી થઇ રહી છે.

રાજયની સરકારી કોલેજોમાં ખાલી પડેલી આચાર્યની જગ્‍યાઓ ભરવાની પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વાર હાથ ધરવામાં આવતી હોય છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગુજરાત કોલેજમાં બે આચાર્યની જગ્‍યા ખાલી પડી છે. આ જ રીતે રાજયની જુદી જુદી સરકારી કોલેજોમાં ૧૦થી વધારે આચાર્યની જગ્‍યા ખાલી છે. નિવૃત્ત થવાના કારણે આ જગ્‍યાઓ ખાલી પડી છે. સૂત્રો કહે છે સામાન્‍ય રીતે સરકારી કોલેજોમાં આચાર્યની જગ્‍યાઓ ખાલી પડવાની હોય તે પહેલા જ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતી હોય છે. આ ઉપરાંત જે તે સરકારી કોલેજમાંથી જ કાયમી આચાર્ય તરીકે કોઇ પ્રોફેસરની નિમણૂક કરી દેવામાં આવે છે. હાલની સ્‍થિતિ એવી છે કે આ તમામ સરકારી કોલેજોમાં કાયમી આચાર્ય જ નહોવા કારણે અનેક પ્રકારની મુશ્‍કેલીઓ ઊભી થઇ રહી છે.

કોલેજમાં ફરજ બજાવતાં અન્‍ય અધ્‍યાપકોને ઇન્‍ચાર્જ પ્રિન્‍સિપાલની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ તેઓ કેટલાક નિર્ણય લઇ શકતા નથી. ઇન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ કહે છે કે, કાયમી પ્રિન્‍સિપાલ જે પ્રકારે કામગીરી કરે તેવી કામગીરી તેમની અવેજીમાં ઇન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ કરી શકતા નથી. આ ઉપરાંત પોતાની પાસે હંગામી ધોરણે જ આ જવાબદારી હોવાથી પણ અનેક ઇન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ મોટો નિર્ણય કરવા તૈયાર થતાં નથી. આમ, સરવાળે આ તમામ સરકારી કોલેજો છેલ્લા કેટલાય સમયથી કાયમી પ્રિન્‍સિપાલ કયારે આવશે તેની રાહ જોઇ રહી છે. હાલમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે ત્‍યારે અનેક મહત્‍વના નિર્ણયો પ્રિન્‍સિપાલે કરવાનો હોય છે. કાયમી પ્રિન્‍સિપાલના અભાવે આ તમામ નિર્ણયો થઇ શકતા નથી અથવા તો ભારે વિલંબ થઇ રહ્યો છે. મહત્‍વની વાત એ કે, સરકારી કોલેજોમાંથી હાલ કેટલાક સિનિયર પ્રોફેસરો એવા છે કે, જેમને ગાંધીનગરમાં હાયર એજયુકેશન ડિપાર્ટમેન્‍ટ અને કેસીજીમાં જુદા જુદા પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોફેસરો પૈકી કેટલાક સરકારી કોલેજમાં પ્રિન્‍સિપાલ થવા માટે સંપૂર્ણ લાયક હોવાછતાં તેમને યેનકેન પ્રકારે વિભાગોમાં બેસાડી રાખવામાં આવ્‍યા છે.

ગુજરાત નોલેજ કોન્‍સોર્ટિયમ (કેસીજી) હોય કે, હાયર એજયુકેશન ડિપાર્ટમેન્‍ટમાં ખાલી પડેલી અધિકારી કે વહીવટી જગ્‍યાઓ પર સરકારી કોલેજમાંથી સિનિયર પ્રોફેસરોને કામગીરી સોંપવામાં આવતી હોય છે. સૂત્રો કહે છે કેટલાક પ્રોફેસરોને ગાંધીનગરમાં મુખ્‍ય કચેરીમાં કામગારી ફાવી જતાં તેઓ હવે જુદી જુદી કોલેજમાં પ્રિન્‍સિપાલ તરીકે જવા તૈયાર નથી. આ જ પરિસ્‍થિતિ કેસીજીમાં જોવા મળી રહી છે. કેટલાક પ્રોફેસરો પાસે પ્રિન્‍સિપાલ અને કેસીજી જેવી બન્ને જવાબદારીઓ છે તો કેટલાક પ્રોફેસર જવાબદારીના નામે બહારગામની સરકારી કોલેજમાં પ્રિન્‍સિપાલ તરીકે જવા જ તૈયાર નથી. 

(9:55 AM IST)