<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

અમદાવાદ વડોદરા એક્‍સપ્રેસ હાઈવે પર ટ્રક અને બસ વચ્‍ચે અકસ્‍માત : ૬ લોકોના મોત

વડોદરાથી અમદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા નજીક ટ્રક અને બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો

આણંદ,  અમદાવાદ વડોદરા એક્‍સપ્રેસ હાઇવે પર ગોઝારો અકસ્‍માત સર્જાયો છે. ટ્રક અને ખાનગી બસ વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં છ લોકોના મોત નીપજ્‍યા છે. આ અકસ્‍માતમાં સ્‍થળ પર ત્રણ લોકોના મોત અને સારવાર દરમિયાન અન્‍ય ત્રણ લોકોના મોત નીપજ્‍યા છે. આ દુઃખદ ઘટનામાં મળતઆંક વધવાની પણ શકયતા દર્શાવવામાં આવી રહી છે. અકસ્‍માતની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્‍માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.

વડોદરાથી અમદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા નજીક ટ્રક અને બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. મહારાષ્‍ટ્રથી રાજસ્‍થાન તરફ જઈ રહેલી ખાનગી બસને આ અકસ્‍માત નડ્‍યો હતો. સૂત્રો પાસેથી માહિતી એવી પણ મળી રહી છે કે, ટ્રકનું ટાયર ફાટતા બાજુમાં ઉભેલી ખાનગી બસને ટક્કર મારી હતી. જેના કારણે બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ અકસ્‍માતમાં ૬ લોકોના મોત નીપજ્‍યા છે. જ્‍યારે આઠ જેટલા લોકોને ઇજા પહોંચી છે.

હાઇ વે પર અકસ્‍માતના બનાવની જાણ થતાં સ્‍થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઘટનાસ્‍થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્‍તોને આણંદની અલગ અલગ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

(10:30 AM IST)