News of Monday, 15th July 2024
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની સીએમને જિલ્લાના વિવિઘ સળગતા પ્રશ્નો મુદ્દે લેખિત રજુઆત
SOU વિસ્તારમાં મજૂરી અર્થે આવતા બાઈક સવારો પાસે પોલીસ હજારોનો દંડ વસૂલ કરે છે, આ માટે DSP ને રજૂઆત બાદ પણ કોઈ નિર્ણય લેવાયો નથી: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં એજન્સી યુ.ડી.એસ સ્થાનિકોની અવગણના કરી બહારના રાજ્યોમાંથી લોકોને નોકરી આપે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત મુજબ નર્મદા નદીના કાંઠા વિસ્તારના બોટિંગનો વ્યવસાય કરતા 300 જેટલા પરિવારોને બોટિંગનું લાયસન્સ ન મળવાથી છેલ્લાં 6 મહિનાથી રોજગારી વિનાના થઈ ગયા છે.
એસ.ઓ.યુ વિસ્તારમાં આવતા નાના ગામો માંથી મજૂરી અર્થે આવતા બાઈક સવારો પાસેથી પોલીસ 2 હજારથી 3 હજાર જેટલો દંડ વસુલી હેરાન કરે છે.આ બાબતે જિલ્લા પોલીસવડાને રજુઆત કરી છતાં યોગ્ય નિર્ણય લેવાયો નથી.છેલ્લા 10 વર્ષથી કરજણ રિચાર્જ હાઈ કેનાલ પ્રોજેકટમાં આવતા 11 ગામના ખેડૂતોને વળતર આપવામા આવ્યું નથી.કેવડીયા ખાતે 955 એકર માંથી 755 એકર જમીન સંપાદન થયું છે જેમાં પડતર જમીનનો પ્રશ્ન ઊભો જ છે. ગરુડેશ્વર વિયર ડેમ બનવાથી 200 એકર જમીન ડૂબાણમાં જવાથી ખેડુતોને આજદિન સુધી વળતર મળ્યું નથી.ખેડૂતોને એકર દીઠ 1 લાખ રૂપિયાની જગ્યાએ 10 લાખ રૂપિયા વળતર આપવાની ખેડુતો માંગ કરે છે. રોજગાર ધંધા માટે જે ખેડુતોએ જમીન ગુમાવી છે એ ખેડુતો માટે નિયમો હળવા બનાવી પરિવાર દીઠ 1 દુકાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આપવામા આવે.
કેવડીયા કોલોનીમાં તોડી નાખવામાં આવેલી સરકારી માધ્યમિક સ્કુલની જમીન પર વેહલી તકે કોલેજ બને એ જરુરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનીક સ્તરે ભરતી અંગે એજન્સી દ્વારા યોગ્ય જાહેરાત ન થતા સ્થાનિકોને રોજગારી ન મળતા પ્રજામાં સરકાર પ્રત્યે રોષ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગાઈડની ભરતીમાં એજન્સીએ બારોબાર કોઈ પણ પ્રકારની અખબારી જાહેરાત વિના ભરતીની પ્રક્રીયા ચાલું કરી છે.પ્રિવિલેન્સ કંપની દ્વારા પ્રવાસીઓ માટે પિંક રિક્ષા બંધ કરી દેવાતા 30 જેટલી આદિવાસી રિક્ષા ચાલક બહેનો બેરોજગાર બની ગઈ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં કાર્યરત એલ એન્ડ ટી કંપની માટે આઉટસોર્સિંગ ધોરણે કામ કરતી એજન્સી યુ.ડી.એસ દ્વારા સ્થાનિકોની અવગણના કરી બહારના રાજ્યો માંથી લોકોને નોકરી અપાય છે. યુ.ડી.એસ કંપની દ્વારા શ્રમ કાયદા મુજબ માતૃત્વની રજાઓ અપાતી નથી, એસ.ઓ.યુ ઓથોરિટી દ્વારા ચોક્કસ નીતિનું ઘડતર થાય એ જરુરી છે. જંગલ સફારીમાં ડ્રાઈવરોનો કંપની સાથે વિવાદ ચાલે છે, પ્રિવિલેન્સ કંપનીના સુનિલ કુમાર કામદારો સાથે અભદ્ર વ્યવહાર કરે છે.એસ.ઓ.યુ સત્તા મંડળમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને જોડાય તો સ્થાનિક પ્રશ્નોનુ નિરાકરણ આવશે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
