તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 15th July 2024
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ધોધમાર વરસાદ, એક યુવક જીવ બચાવવા તાડના ઝાડ પર ટીંગાયો, તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું : ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાતા અનેક સ્થળોએ લોકો અટવાઈ ગયા છે. નેત્રંગના માંડવી રોડ સંપર્ક વિહોણો
દક્ષિણ ગુજરાતમાં ઘણા લાંબા સમય પછી મેઘરાજાએ અસલી મિજાજ દેખાડતા લોકો ભારે મુશ્કેલીમાં નદીનાળા છલકાયા

ભરૂચ તા.૧૫ : જિલ્લા પર મેઘરાજાએ લાંબા સમયના વિરામ બાદ અસલ મિજાજ બતાવતા લોકો આફતમાં મુકાયા છે. ભરૂચના નેત્રંગ પંથકમાં મેઘરાજે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી-નાળા છલકાયા છે. જેમાં એક યુવકે બચવા માટે તાડના ઝાડ ઉપર સહારો લેવાનો વારો આવ્યો હતો. અનેક વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી તેને બચાવવામાં આવ્યો હતો.
ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાતા અનેક સ્થળોએ લોકો અટવાઈ ગયા છે. નેત્રંગના માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો છે. નેત્રંગ પંથકમાં પાંચ ઇંચ વરસાદથી નદી નાળા છલકાઈ જતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા અનેક સ્થળોએ લોકોના રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ દરમિયાન નેત્રંગ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે એક યુવક સ્વ બચાવ માટે તાડના ઝાડ ઉપર ટીંગાયો હતો.
મહત્ત્વનું છે કે, ગુજરાતમાં થોડા દિવસો માટેનો બ્રેક લઈને મેઘરાજા ફરી એકવાર મનમૂકીને વરસી રહ્યા છે. મેઘરાજાએ જાણે કે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ અનેક જિલ્લાઓને પાણીથી તરબોળ કરી દીધા છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદ બાદ પાણી-પાણી થયા છે. ત્યાં તો હવે મધ્ય ગુજરાતને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે.
જેમ-જેમ વરસાદનો જોર વધી રહ્યો છે તેમ-તેમ તબાહીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. જે અંતર્ગત ભરૂચના તમામ તાલુકાઓમાં આજે વહેલી સવારથી જ ઘણી જગ્યાએ ધીમીધારે તો ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે ભરૂચના નેત્રંગ અને વાલિયામાં સાંબેલાધાર વરસાદ ખાબકતા લોકો અટવાઈ ગયા છે. નેત્રંગ પંથકના અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતી ઉભી થતાં ધસમસતા પાણી જોવા મળ્યા.
નેત્રંગના વિવિધ વિસ્તારો માંડવી રોડ, ગાંધી રોડ તેમજ ધાની ખૂત પાણી-પાણી થઇ ગયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું છે. આ સિવાય નેત્રંગની અમરાવતી નદી પણ ભયજનક સપાટીએ વહેતી થઇ હતી.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
