<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

રાજપીપળા પાસેના કરજણ ડેમમાંથી ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડાયુ : કિનારાના ગામોને સચેત રહેવા અપીલ

ચોમાસા દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ૨ દરવાજા ૨.૮૦ મીટર ખુલ્લા કરીને કરજણ નદીમાં પાણી છોડાયુ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર તા. ૧૫મી જુલાઈ ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકની પરિસ્થિતિએ કરજણ ડેમની સપાટી ૧૦૫.૭૨ મીટર પહોંચી હતી. તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૪ દરમિયાન ડેમની સપાટીને ૧૦૭.૫૫ મીટરનો રૂલ લેવલ જાળવવા માટે સોમવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે આ ડેમના ૨ (બે) દરવાજાને ૨.૮૦ મીટર (૨૮૦ સે.મી.) ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે.
અત્રે નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૨૨ હજાર ક્યુસેક પાણીની આવત થઈ રહી છે. જેથી ડેમ હાલમાં ૫૯.૯૯ ટકા જળરાશીથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે

(11:27 PM IST)