News of Monday, 15th July 2024
નાંદોદ તાલુકામાં 6 કલાક માં 5 ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી : જનજીવન પર અસર
રસેલા, ધાનપોર, રૂઢ, શુકદેવજી વ્યાસ અને ધમણાચા જેવા ગામમાં વરસાદના પાણી ફરી વળતા કેળ, શેરડી, કપાસ, તુવેર, પપૌયા જેવા પાકને નુક્સાન:મોવીથી ડેડીયાપાડા તરફ જતા માર્ગ ઉપર યાલ ગામ નજીક આવેલો પુલ અચાનક જ તૂટી પડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નાંદોદ તાલુકામાં વહેલી સવારના ૪ વાગ્યાથી સવારે ૧૦
વાગ્યા સુધી ૫.૫ ઈંચ જેવો વરસાદ ખાબકતા જન જીવન ઉપર અસર જોવા મળી હતી જ્યારે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતા ખેડૂતો ચિંતિત જણાય હતા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં વહેલી સવારે ૪ વાગ્યા થી સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૫.૫. ઈંચ જેટલો વરસાદ ખાબકતાં રસેલા ગામની ધામણી ખાડીમાં પુર આવતાં ખેડૂતોના ખેતરમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને કપાસ, તુવેર, શેરડી અને કેળના પાકને ભારે નુકશાન થયું છે.જિલ્લામાં ઘણી જગ્યાએ પાકો તણાઈ ગયા હતા. રસેલા, ધાનપોર, રૂઢ, શુકદેવજી વ્યાસ અને ધમણાચા ગામમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જતાં કેળ, શેરડી, કપાસ તુવેર પપૌયા પાકને નુક્સાન થયું છે.ભદામ ગામના નાળા પાસે વરસાદના પાણી ઘુસી જતા કેળ શેરડી કપાસના પાક પાણીમાં ગરકાવ થયો હતો. નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં પુર જેવી પરિસ્થિતી નિમાર્ણ થયું છે. આમ અનેક ગામોમાં કેળ, કપાસ, તુવેર, શેરડી અને શાકભાજીના પાકને નુક્સાન થયું છે. સાથે સાથે આ વરસાદ થી કેટલાક લોકોના ઘરોને પણ નુકશાન થયું છે.
જિલ્લાની વાત કરીએ તો મોવી થી ડેડીયાપાડા તરફ જતા માર્ગ ઉપર યાલ ગામ નજીક આવેલો વર્ષો જૂનો પુલ અચાનક જ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.સવારે આ પુલ સારો હતો ત્યારે અનેક વાહન ચાલકો પસાર રહ્યા ત્યારબાદ પુલ તુટી જતા હવે મોવી થી ડેડીયાપાડા જવા માટે વાયા નેત્રંગ થઈ જતાં લગભગ 40 કિલોમીટર નો ફેરો ફરી જવું પડશે જોકે આ પુલ તૂટવાની ઘટના માં કોઈ ને પણ ઇજા કે જાનહાનિ થઈ નથી. આમ નર્મદા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી પડેલા સાંબેલાધાર વરસાદે જન જીવન પર અસર પહોંચાડી હોવાનું જોવા મળ્યું હતું.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
