News of Monday, 15th July 2024
નેત્રંગમાં 2 કલાકમાં સાડા 5 ઇંચથી વધુ વરસાદ : મોરીયાણા ગામે યુવાન જીવ બચાવવા તાડના વૃક્ષ ઉપર ચઢી ગયો
વરસાદી પાણી રસ્તા ઉપર એક ફુટથી વધુ ફરી વળતા કલાકો સુધી ટ્રાફિકજામ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ તાલુકા માં મેઘરાજાની ૨ કલાકમાં ધમાકેદાર બેટિંગ થતા ૫ ઇંચ કરતાં વધુ વરસાદ થતાં જળબંબાકારની પરીસ્થિતિ ઉદભવી હતી.નેત્રંગ ટાઉનના જીનબજાર, ગાંધીબજાર અને જુની નેત્રંગ અને.ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘર વકરીનો સામાન-જીવનજરૂરીયાતની ચીજવસ્તુને ભારે નુકસાન પહોંચ્યું હતું.નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠાના કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
નેત્રંગમાં વરસાદી પાણી રોડ-રસ્તા ઉપર ફરી વળતા કલાકોથી વાહનવ્યવહાર ઠપ્પ રહેતા ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે મામલતદાર અને પોલીસ કમઁચારીઓ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો
નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના પાણીની સપાટીમાં એકસાથે ૩ મીટર જેટલો ધરખમ વધારો થયો છે. હાલમાં બલડેવા ૧૩૯.૮૦ મીટર,પીંગોટ ૧૩૬.૪૦ અને ધોલી ૧૩૪.૩૦ મીટર પાણીની સપાટી છે.આવનાર ટુંક સમય ત્રણેય ડેમ ઓવરફ્લો થવાની પુરેપુરી શક્યતાઓ જણાઇ રહી છે.
: મોરીયાણા ગામે યુવાન જીવ બચાવવા તાડના વૃક્ષ ઉપર ચઢી ગયો
નેત્રંગ ના મોરીયાણા ગામના જયેશભાઇ કનુભાઈ વસાવા સવારના સમયે કુદરતી હાજતે ગયા હતા ત્યારે એકાએક મોરીયાણા ગામની નદીમાં ઘોડાપુર આવતા પોતાનો જીવ બચાવવા માટે આ યુવાન તાડના વૃક્ષ ઉપર ચઢી ગયો હતો, બનાવની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ કરીને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
