News of Monday, 15th July 2024
ડેડીયાપાડાનાં ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપૂર
નદી ઉપરનો મોટો પુલ પણ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે મોહન નદીમાં ભારે વરસાદને લીધે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી, તેમજ નદી ઉપર બનેલો મોટો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો, અવરજવર કરતા લોકો પર તેની ભારે અસર થઈ હતી.
નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ થતાં નર્મદા જિલ્લાના ગારદા અને નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા વચ્ચેથી વહેતી મોહન નદી માં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાતા નદી ગાંડીતુર બની હતી, અને બંને કાંઠે નદીના ભારે વહેણ વહેતા થતા નદી ઉપર આવેલ મોટો પુલ પાણીમાં ગરકાવ થયો હતો.
નદીના પાણી પુલ ઉપર ફરી વળતાં પૂરની સ્થિતિને કારણે નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પણ ભારે નુકશાન જવાની ભીતિ સર્જાઇ હોવાનુ પણ જાણવા મળ્યુ છે. તેમજ અનેક ખેડૂતોનાં ખેતીના સાધનો પણ પાણીમાં તણાઈ ગયા હતા પુર ની સમગ્ર પરિસ્થિતી ને જોતાં તંત્ર એલર્ટ મોડ પર આવ્યુ છે. ભારે વરસાદ ને પગલે પાણી ની આવક વધે તો નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામમાં પાણી ફરી વળવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
