<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th July 2024

રાત્રે 8 વાગ્યા સુધી રાજયના 181 તાલુકામાં વરસાદ: ઉંમરપાડામાં 14 ઈંચ વરસાદ:SDRFની ટીમ સ્ટેન્ડ બાય

ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વરમાં 6 ઈંચ વરસાદ

અમદાવાદ : સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ, 15 તાલુકાઓમાં 2 ઈંચથી 14 સુધી પડ્યો વરસાદ, અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે, અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર ભરાયાં પાણી, રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો 

  સુરતના ઉંમરપાડામાં 14 ઈંચ વરસાદથી રાજ્ય સરકારે SDRFની ટીમને કરી સ્ટેન્ડ બાય, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વરમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે 

રાત્રે 8 વાગ્યા સુધી ગુજરાતના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જમાં ખાસ કરીને અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે હોય તેવુ લાગી રહ્યું છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ ભરુચના નેત્રંગમાં સાડા 7 ઈંચ વરસાદ અને ગરુડેશ્વર - નાંદોદમાં સાડા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે 9 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 51 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ તો 129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. 

  સુરતના ચેરાપુંજી કહેવાતા ઉમરપાડામાં સાંબેલાધાર વરસાદથી ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે...ગોંડલિયા ગામે વીરા નદીનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લો-લેવલ બ્રિજ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો..જેથી અહીંયાથી અવરજવર બંધ થઈ ગઈ. ઉમરપાડામાં બારે મેઘ ખાંગા થતાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. સુરતના ઉમરપાડામાં SDRFની ટીમને એલર્ટ મોડ પર રખાઈ છે. ઉમરપાડામાં આભ ફાટતા તંત્ર સજ્જ સ્થિતિમાં છે. તમામ સાધન-સામગ્રી સાથે SDRFની ટીમ ખડેપગે છે. દરેક સ્થિતિમાં SDRFની ટીમ જરૂર જણાશે ત્યાં બચાવ કાર્યમાં જોડાશે.

 મૂશળધાર વરસાદને પગલે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ નદીમાં 99 હજાર ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા રાજપીપળા નગર સહિત 5 ગામને એલર્ટ આપાયું છે. આ મામલે કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર દ્વારા લોકોને નહીં ગભરાવવા અપીલ કરવામાં આવ્યા છે.આ સાથે જ સાવચેતીના ભાગરૂપે ડેમમાંથી પાણી છોડ્યું હોવાની સૂચના આપી છે.


 

(12:47 AM IST)