News of Wednesday, 17th July 2024
જો તમારા વાહનનું PUC: વીમો, ટેક્સ બાકી હશે તો ફાસ્ટટેગમાંથી પૈસા કપાઈ જશે
સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ‘ઈ ડિટેક્શન પ્રોજેકટ' અંતર્ગત પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને બીજા તબક્કામાં પ્રાઈવેટ વાહનોનો સમાવેશ કરશે

અમદાવાદ,તા. ૧૭: જો તમારા વાહનનું PUC, વીમો કે ટેક્સ બાકી હોય તો ચેતજો. કારણ કે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આવા વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવા ‘ઈ ડિટેક્શન પ્રોજેક્ટ'અમલમાં મૂકવા જઈ રહ્યું છે. જેથી આવશ્યક દસ્તાવેજો, સર્ટિફિકેટ બાકી હોય તેવા વાહનોના દંડની રકમ ડાયરેક્ટ વાહનના ફાસ્ટટેગમાંથી જ કપાઈ જશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન દ્વારા પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને બીજા તબક્કામાં ખાનગી વાહનોને ઈ ડિટેક્શન પ્રોજેક્ટ અંતર્ગત સાંકળી લેવાશે એમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ સૂત્રો જણાવે છે.તેવું નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ જનરેટ કરી જે તે કસૂરવાર વાહનચાલકને મોકલી આપવામાં આવે છે. આમ છતાં ઘણાં લોકો દંડની રકમ ભરતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એક નવીન પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ‘ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય કે પ્રાઈવેટ વ્હીકલ હોય. દરેક વાહનના આવશ્યક દસ્તાવેજો અને મંજૂરીઓ હોવી જ જોઈએ. આમ છતાં સંખ્યાબંધ વાહનચાલકો નિયમભંગ કરે છે. આથી જ અમે ‘ઈ ડિટેક્શન પ્રોજેક્ટ'અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. જેમાં અમે પ્રાથમિક તબક્કે ‘વાહન મોડ્યુલ'અને ‘ઈ-ચલણ'કનેક્ટ કરી રહ્યાં છીએ. જેથી તમામ વાહનો અને તેના આવશ્યક દસ્તાવેજો, મંજૂરીઓ, પરમીટનો ડેટા ઈ ડિટેક્શન પ્રોજેક્ટ માટે ઉપલબ્ધ થાય.
તેઓ પ્રોજેક્ટના અમલ અંગે કહે છેકે, અમે જુલાઈ મહિનાના અંતમાં ૪ ટોલટેક્સ નાકા પર પ્રોજેક્ટ શરૂ કરીશું. જેમાં પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વાહનો(પીળી નંબર પ્લેટ વાળા, કેબ-ટેક્સી, ગુડ્સ વ્હીકલ, બસ અને અન્ય)નો સમાવેશ કર્યો છે. જયારે બીજા તબક્કામાં ખાનગી વાહનોનો સમાવેશ કરાશે. આ પ્રોજેક્ટમાં રાજયના નેશનલ અને સ્ટેટ હાઈ વે ઉપર આવેલા ટોલટેક્સ નાકાને સાંકળ્યા છે. આથી પ્રથમ તબક્કામાં રાજયના ટોલટેક્સ નાકા પરથી પસાર થતાં તમામ ટ્રાન્સપોર્ટ વ્હીકલનો ડેટા ઓપરેટર દ્વારા પ્રતિદિન ઈ ડિટેક્શન સોફટવેર પર અપલોડ કરાશે. આ વાહનોનાં ડેટાનું ‘વાહન સોફટવેર'પર વેરિફિકેશન કરાશે અને જે ટ્રાન્સપોર્ટ વાહનનો વીમો, PUC સર્ટિ., પરમીટ, ટેક્સ કે ફિટનેસ સર્ટિફિકેટ બાકી હશે તે વાહનોને ઈ ચલણ સોફટવેર દ્વારા ચલણ ઈશ્યૂ કરી દંડ ફટકારાશે. તદ્ઉપરાંત જે તે વાહનના માલિકને પણ મોબાઈલ નંબર ઉપર SMS કરી જાણ કરવામાં આવશે.
તેઓ ઉમેરે છે કે, ‘ટ્રાન્સપોર્ટ વ્હીકલ બાદ અમે પ્રાઈવેટ વાહનો અને પેસેન્જર કારને પણ આ પ્રોજેક્ટમાં સામેલ કરીશું. જેમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહનોમાં PUC સર્ટિ., વીમો, ટેક્સ કે ફિટનેસ સર્ટિફિકેટ બાકી હશે તો તેમાં પણ દંડની રકમ વસૂલાશે. અલબત્ત, પ્રાઈવેટ વાહનોના બીજા તબક્કામાં અમે ઓટોમેટેડ નંબર પ્લેટ રેકેગ્નાઇઝેશન દ્વારા ફાસ્ટટેગ સાથે કનેક્ટ કરીશુ. આથી નિયમભંગ કરનાર તમામ વાહનચાલકોના દંડની રકમ જે તે વાહનચાલકના ફાસ્ટટેગમાંથી કપાઈ જશે. જો કોઈ વાહનચાલકના ફાસ્ટટેગમાં પૂરતું બેલેન્સ ન હોય તો પણ જે તે વાહનચાલકને SMS ઉપરાંત ઈ ચલણ દ્વારા પણ જાણ કરાશે. જેથી નિયમભંગ કરનાર દરેક વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરાશે.'
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
