<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ડાકોર બાયપાસનો ૭૦ કરોડના ખર્ચે બનેલ ફ્‌લાયઓવરે ૩ મહિનામાં જ રિપેરીંગ માંગ્‍યુ !

અમદાવાદ, તા.૧૭: ડાકોર બાયપાસ રોડ પર ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના રસ્‍તા ઉપર રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ફલાયઓવર બ્રિજમાં ત્રણ મહિનામાં જ લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો.

રાજ્‍ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગલ્‍ય બિલ્‍ડકોન એજન્‍સીને ફ્‌લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. ત્‍યારે માત્ર ત્રણ મહિનામાં જ ફ્‌લાયઓવરમાં સમારકામની જરૂરિયાત ઉભી થતાં બ્રિજ નિર્માણની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્‍યા છે.

ડાકોરમાં ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના ત્રણ રસ્‍તા ઉપર રૂ.૭૦ કરોડના ખર્ચે ફ્‌લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને હસ્‍તે તા. ૮ માર્ચના રોજ ફૂલાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. માર્ગ અને મકાન વિભાગ સ્‍ટેટ દ્વારા વર્ષ ૨૦૨૦માં માંગલ્‍ય બિલ્‍ડકોન નામની એજન્‍સીને કામગીરી સોંપવામાં આવી હતી. જેનું તત્‍કાલીન નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું.

એજન્‍સીએ ૧૮ મહિનામાં કામપૂર્ણ કરવાનું હતું, જેના બદલે ૩૨ મહિના બાદ ફૂલાયઓવરનું લોકાર્પણ કરાયું હતું. માર્ચ મહિનામાં વાહનવ્‍યવહાર માટે ખુલ્લા મુકાયેલા ફલાયઓવર બ્રિજ ઉપર જુલાઈ માસમાં લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો. જેનું સમારકામ માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ માંગલ્‍ય બિલ્‍ડકોન  એજન્‍સીએ કરાવ્‍યું છે.

(3:23 PM IST)