<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

દહેગામ તાલુકાના વધુ એક ગામ પેટાપરા કાલીપુરાનો બારોબાર સોદો થયો

તંત્ર ફરી ઘોર નિંદ્રામાં

ગાંધીનગર, તા. ૧૭ :  જિલ્લામાં હવે ગામોના બારોબાર વેચાણ દસ્‍તાવેજ થઈ જવાનો જાણે કે સિલસિલો શરૂ થયો હોય તેમ દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી ૧.૫ વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્‍તાવેજ કરી દેવામાં આવ્‍યો છે. જેના પગલે હવે ગ્રામજનોએ તંત્રને વાંધા અરજી આપતા આગામી દિવસમાં તેની મુદત રાખવામાં આવી છે. દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જમીનના વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્‍તાવેજ કરી દેવામાં આવ્‍યો હતો અને તેના કારણે સમગ્ર રાજ્‍યમાં આ મુદ્દો ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો હતો.

જેને લઈ હાલ પોલીસ દ્વારા સાત જેટલા વ્‍યક્‍તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે ત્‍યારે હવે દહેગામ તાલુકાના જ વધુ એક ગામમાં આ જ પ્રકારનો કિસ્‍સો બહાર આવવા પામ્‍યો છે.

 દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્‍તકના પેટાપરા કાલીપુરા ૫૦ વર્ષ અગાઉ અસ્‍તિત્‍વમાં આવ્‍યું હતું અને ધીરે ધીરે અહીં હાલ ૩૫ જેટલા મકાનો છે તેમજ બે સરકારી બોર અને તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ આપવામાં આવી રહી છે ત્‍યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની ૧.૫ વીઘા જમીનનો વેચાણ દસ્‍તાવેજ કરી દેવામાં આવ્‍યો છે.

દહેગામ સબ રજીસ્‍ટર કચેરીમાં ગત એપ્રિલ મહિનામાં આ દસ્‍તાવેજ થયો.

(3:32 PM IST)