News of Monday, 22nd July 2024
આજે અને આવનારા ૭ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઃ હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં આજે થંડરસ્ટ્રોમ એકિટવીટી થવાની શકયતાઃ સૌરાષ્ટ્રમાં ૪૦ ટકા વધુ વરસાદ નોંધયોઃ હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ

અમદાવાદ તા. રર : રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે.
અમદાવાદઃ આજે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ૬.૦૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુરમાં છ કલાકમાં ૧૧ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તથા આવનારા સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો ચાર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે. અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે છે.
મંગળવાર માટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે.
૨૪મી તારીખ અને બુધવારે અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપી છે. જ્યારે જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભરુચ, નર્મદા, બોટાદ,દ્વારકા, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
૨૫મી તારીખે અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે ગીરસોમનાથ,દીવ, સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપી છે. આ ઉપરાંતના જિલ્લામાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, ૧ જુનથી અત્યાર સુધીમાં સામાન્યથી પાંચ ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૧ જૂનથી અત્યાર સુધી ૪૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
