<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

બપોરે 12 વાગ્યા સુધીમાં 167 તાલુકામાં મેઘમહેર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી

બપોર સુધીમાં બોરસદમાં 12 ઈંચથી વધુ,તિલકવાડામાં 6 ઈંચથી વધુ, ભરૂચમાં સાડા 6 ઈંચ, નસવાડીમાં 5.2 ઈંચ, ઝઘડિયા, હાંસોટ, નાંદોદ અને અંકલેશ્વરમાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ : વહેલી સવારથી મધ્ય ગુજરાતના મોટા ભાગ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે લાગી રહ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આખરે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાતમાં આવી પહોંચી છે. વડોદરા, ભરૂચ, આણંદ, નર્મદા અને છોટા ઉદેપુરમાં જિલ્લામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આણંદના બોરસદમાં 4 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 167 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આણંદના બોરસદમાં 12 ઈંચથી વધુ, નર્મદાના તિલકવાડામાં 6 ઈંચથી વધુ, ભરૂચમાં સાડા 6 ઈંચ, નસવાડીમાં 5.2 ઈંચ, ઝઘડિયા, હાંસોટ, નાંદોદ અને અંકલેશ્વરમાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 54 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ જ્યારે 113 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ, કચ્છ, જામનગર, રાજકોટ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોય ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા હોય યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(1:08 PM IST)