<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ગુજરાત સ્‍વાઈન ફ્‌લૂના કેસ અને મોત મામલે દેશમાં બીજા નંબરે : છ મહિનામાં ૧૦૪૯ કેસ : ૨૭ના મોત

દેશમાં છેલ્લા છ મહિનામાં સ્‍વાઈન ફલૂના ૭,૨૧૫ કેસ સામે આવ્‍યા : ૧૫૦એ જીવ ગુમાવ્‍યા

અમદાવાદ,તા.૫ : ગુજરાત સ્‍વાઈન ફ્‌લૂના વધુ કેસ અને મોત મામલે દેશમાં બીજા નંબરે છે. જેમાં ગુજરાતમાં સ્‍વાઈન ફ્‌લૂના છ મહિનામાં ૧,૦૪૯ કેસ થતા ૨૭ દર્દીઓનાં મોત થયા છે. તેમાં વધુ કેસ અને મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. છેલ્લે જૂન મહિનામાં નવા ૨૭ કેસ, એક પણ મોત નહીં. તેમજ દેશમાં છેલ્લા છ મહિનામાં સ્‍વાઈન ફૂલના ૭,૨૧૫ કેસ સામે આવ્‍યા છે.

 ગુજરાતમાં જાન્‍યુઆરીથી જૂન ૨૦૨૪ એમ છેલ્લા છ મહિનામાં સ્‍વાઈન ફલૂના ૧,૦૪૯ કેસ નોંધાયા છે જ્‍યારે ૨૭ દર્દી સારવાર દરમિયાન મોતને ભેટયા છે. છેલ્લે જૂન મહિનામાં ગુજરાતમાં નવા ૨૭ કેસ સામે આવ્‍યા છે જ્‍યારે આ એક મહિનાના અરસામાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. નેશનલ સેન્‍ટર ફોર ડિસીઝ કંટ્રોલે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા છ મહિનામાં એચ૧એન૧ એટલે કે સ્‍વાઈન ફૂલના ૭,૨૧૫ કેસ સામે આવ્‍યા છે, જે પૈકી ૧૫૦ દર્દીઓનાં મોત થયા છે. સૌથી વધુ દિલ્‍હીમાં ૧૫૬૩ કેસ છે અલબત્ત ત્‍યાં સરકારી ચોપડે એક પણ દર્દીનું મોત નથી. સૌથી વધુ મોત પંજાબમાં ૪૧ નોંધાયા છે.

 ગુજરાતમાં છેલ્લે મે ૨૦૨૪ના અરસામાં નવા ૩૫ કેસ આવ્‍યા હતા, જે પૈકી બે દર્દીઓનાં મોત થયા હતા. ગત વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાં ૨૧૨ કેસ અને ત્રણ દર્દીનાં મોત હતા, આ સરખામણીએ અત્‍યારે કેસનું પ્રમાણ વધુ છે. ગુજરાતમાં જે કેસ સામે આવ્‍યા તેમાં ઉંમર લાયક હોય, અન્‍ય કોઈ બીમારી હોય તેવા દર્દી વધુ નોંધાયા હતા, કારણ કે તેમને ચેપ લાગવાનો ખતરો વધુ રહે છે. તાવ આવે, ઠંડી લાગે, ગળામાં દુઃખાવો, માંસપેશીમાં દુઃખાવો, અશક્‍તિ વગેરે સ્‍વાઈન ફલૂના લક્ષણો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ના અરસામાં ૨,૧૭૪ કેસ અને ૭૧ દર્દી મોતને ભેટયા હતા. વર્ષ ૨૦૨૧ના અરસામાં ૩૩ કેસ અને બે મોત નોંધાયા હતા.

(3:59 PM IST)