<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની રમઝટ: બોરસદમાં સાડા 13 ઈંચ. તિલકવાડામાં સાડા 8 ઈંચ ધોધમાર ખાબક્યો: અનેક રસ્તા બંધ

બોરસદની બજારોમાં નદીઓ વહી :નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા : ગ્રામ્ય પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા:બોરસદ, કોસિન્દ્રા, આંકલાવ અને અલારસા જેવા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો

અમદાવાદ : છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હતા.રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર છૂટાછવાયા ઝાપટા પડતા હતા. આજે મેઘરાજાએ વહેલી સવારથી મધ્ય ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 208 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં સવારે 8 વાગ્યાથી એકધારો સાડા 13 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના પગલે બોરસદની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. જેથી બોરસદ, કોસિન્દ્રા, આંકલાવ અને અલારસા જેવા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.   

નર્મદા જિલ્લાના તિલકવાડામાં સાડા 8 ઈંચ, વડોદરાના પાદરામાં સાડા 7, ભરૂચમાં 7 ઈંચ, છોટા ઉદેપુરના નસવાડીમાં 6, વડોદરામાં 6, નર્માદાના નાંદોદમાં સાડા 5 ઈંચ, ભરૂચના ઝઘડિયામાં સવા 5 ઈંચ, અંકલેશ્વરમાં 5 ઈંચ, હાંસોટમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 77 તાલુકામાં 1 ઈંચથી વધુ, 37 તાલુકામાં બે ઈંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બપોરે 2 થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 57 મિ.મી વરસાદ વડોદરાના ડભોઈમાં નોંધાયો છે. 

આ સિવાય મહીસાગરના કડાણામાં 47 મિ.મી, ખંભાતમાં 37 મિ.મી, વાઘોડિયામાં 37 મિ.મી, વડોદરામાં 34 મિ.મી, ચિખલીમાં 29 મિ.મી., નવસારીના ખેરગામમાં 28, પંચમહાલના હાલોલમાં 28 મિ.મી વરસાદ નોંધાયો છે.

(6:52 PM IST)