News of Wednesday, 24th July 2024
વડોદરામાં ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબક્યો : ભારે વરસાદથી રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ
મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા:શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો: વિશ્વામિત્રી નદીની સપાટી વધી 9 ફૂટે પહોંચી : જુદા જુદા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી :સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા

વડોદરા શહેરમાં વહેલી સવારથી હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સવારથી લઇને અત્યાર સુધીમાં 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે શહેરના રાવપુરા, કારેલીબાગ, મકરપુરા માંજલપુર, માંડવી, વીઆઈપી રોડ, ખોડીયાર નગર, અમિત નગર, ગોરવા, ગોત્રી સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે થઇને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો હતો.
ફક્ત ચાર ઈંચ વરસાદથી પાલિકા તંત્રની પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલી નાખી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થતા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે વિશ્વામિત્રી નદી સીઝનમાં પહેલી વાર બે કાંઠે વહેતી થઈ હતી અને વિશ્વામિત્રી નદીની સપાટી વધી 9 ફૂટે પહોંચી હતી.
શહેરમાં ભારે વરસાદના પગલે જુદા જુદા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા હતા.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
