<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો અંગે તથા શાળાઓને જાતિ મતદાર નોંધણીની સોંપાતી કામગીરી અંગે ઉગ્ર રજૂઆત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૬ :.. તાજેતરમાં ગુજરાત રાજય શૈક્ષણીક  સંઘ સંકલન સમિતિ કે જેમાં આચાર્ય, ઉ.મા. શિ., મા. શિ. બીન શૈ. સ્‍ટાફ તથા ટ્રસ્‍ટીઓના તમામ સંઘો જોડાયેલા છે તેના હોદેદારો દ્વારા રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા શિક્ષણ મંત્રીઓ ડો. કુબેરભાઇ ડીંડોર તથા પ્રફુલ્લભાઇ પાનસેરીયાને પડતર પ્રશ્નો અંગે તથા શાળાઓને સોંપાતા જાતિના પ્રમાણપત્રોના કામ તથા મતદાર નોંધણીના કામ અંગે રજૂઆતો કરી છે.

રાજયના જુદા જુદા જિલ્લાઓમાં જિ. શિ. તથા સમાજ કલ્‍યાણ અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર કરાવીને ધો. ૯ થી ૧૧ માં અભ્‍યાસ કરતા છાત્રોના જાતિના પ્રમાણ પત્રો તથા ૧૮ વર્ષની ઉંમરવાળાનું મતદાર નોંધણી પ્રમાણ પત્રનું કામ શાળાઓને સોંપેલ છે. જે કામ સમાજ કલ્‍યાણ કચેરી તથા મામલતદાર કે તા. વિ.  એ કરવાનું હોય તે કામ શાળાઓને સોંપાયું છે.

અધુરામાં પુરૂં હાલ શાળાઓમાં ૧૩ હજાર શિક્ષકો ૧પ૦૦ આચાર્યો, ૧૦૦૦ કલાર્ક તથા ૧પ૦૦, પટાવાળાની જગ્‍યાઓ ખાલીની સ્‍થિતિમાં આ કામોથી બાળકોનું શિક્ષણ કાર્ય બગડે તેમ હોય તાકીદે આ કામગીરી બંધ કરાવવા માંગ કરાઇ હતી.

આ ઉપરાંત ર૦રર ની સામાન્‍ય ચૂંટણી પહેલા જે પ્રશ્નોના નિરાકરણનો સ્‍વીકાર થયો હતો તે ૧-૪-ર૦૦પ પહેલા નિયુકત કર્મચારીને જૂની પેન્‍શન યોજનાનો લાભ, નવા નિમાયેલા આચાર્યને એક ઇજાફાનો લાભ, સી. પી. એફ. કર્મચારીને ૩૦૦ રજાનું રોકડમાં નિવૃતિ સમયે રૂપાંતર, નીભાવ ગ્રાંટમાં વધારો કરવો શાળાઓમાં કલાર્ક - પટાવાળાની ભરતી કરવી જેવા પ્રશ્નો પડતર છે તેનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરાઇ છે.

એક માસમાં ના

ઉકેલાય તો આંદોલન

રાજય શૈ. સંઘ સંકલન સમિતિના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા ભરતભાઇ ચૌધરી વિ. ની આગેવાનીમાં મળેલા પ્રતિનિધિ મંડળે એક માસમાં આ પ્રશ્નો ન ઉકેલાશે તો  આંદોલનની ચિમકી આપી છે.

(1:50 PM IST)