<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ભરત ચૌધરીનું રાજ્‍યમાં ખળભળાટ સર્જતુ ૫૨૦૦ કરોડનું ક્રિકેટ બેટિંગ સટ્ટાકાંડ

કચ્‍છ બોર્ડર રેન્‍જ પોલીસે ઝડપેલ : છત્તીસગઢ અને દુબઇ કનેકશન સાથેના ચકચારી મહાદેવ બેટિંગ એપના સૌરભ ચંદ્રાકર અને અમિત અગ્રવાલ સહિત અન્‍ય સાથે મળેલા હિસાબોની તપાસ માટે પોલીસે સીટની કરી રચના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : છત્તીસગઢ ના પૂર્વ મુખ્‍યમંત્રી ને સાંકળતા મહાદેવ બેટિંગ એપ પ્રકરણમાં ઈડી એ કરેલ તપાસમાં દુબઈ કનેક્‍શન ખુલ્‍યા બાદ આ મામલાએ સમગ્ર દેશમાં ચકચાર સર્જી હતી. હવે કચ્‍છ બોર્ડર રેન્‍જ પોલીસે પાટણમાં દરોડો પાડી ભરત મુમજી ચૌધરી ને ઝડપી મહાદેવ બેટિંગ એ૫ સાથે સંકળાયેલ ૫૨૦૦ કરોડ (બાવન અબજ) રૂપિયાના વ્‍યવહારો ઝડપી રાજ્‍યમાં ખળભળાટ સર્જ્‍યો છે.

દુબઈથી આવેલા ભરત ચૌધરી અંગે બોર્ડર રેન્‍જ આઇજી ચિરાગ કોરડિયાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, તેના મોબાઈલમાંથી ચકચારી સૌરભ ચંદ્રાકર, અમિત અગ્રવાલ સહિત ૫ સાથીદારો સાથે એક જ વર્ષમાં થયેલ ૫૨૦૦ કરોડ રૂ.ના વહેવારો મળી આવ્‍યા છે. આ અંગે પાટણ ક્રાઈમ બ્રાન્‍ચ ના પીએસઆઈ વાય.કે. ગોહિલે કુલ ૬ જણા સામે જુગારધારા અને આઇટી એક્‍ટ સહિત ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ પ્રકરણમાં અલગ અલગ ૨૩ જેટલી આઇડી સાથે ૩ આઇટી કંપનીઓ દ્વારા વ્‍યવહારો બન્‍યા હોવાનું શોધ્‍યા બાદ આ પ્રકરણમાં સંકળાયેલ તમામ તાણાવાણા શોધવા સીટની રચના કરી છે. નખત્રાણા (કચ્‍છ)ના ડીવાયએસપી બી.બી. ભગોરા ની અધ્‍યક્ષતામાં બે પીઆઈ તેમ જ બે પીએસઆઈ સહિત ૫ પોલીસ અધિકારીઓ તપાસ કરશે.

જોકે, મહાદેવ બેટિંગ એપમાં અગાઉ ઇડી તેમ જ ઈન્‍કમટેકસ સહિતની અન્‍ય એજન્‍સીઓ તપાસમાં ઝુકાવી ચૂકી છે. ભરત ચૌધરી એ ત્રણ આઇટી કંપનીઓ દ્વારા બેટિંગ કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા બાદ હવે આગળ શું કડાકા ભડાકા થાય છે. એ જોવું રહ્યું.

(10:37 AM IST)