<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર : ધો. ૧૦નું ૨૮.૨૯%, ધો. ૧૨ સાયન્‍સનું ૩૦.૪૮, ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું ૪૯.૨૬% પરિણામ

વિજ્ઞાન ભારતીના ગુજરાત એકમ વિજ્ઞાન ગુર્જરીના માર્ગદર્શન હેઠળ

રાજકોટ તા. ૨૯ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ધો. ૧૦ અને ૧૨ની પૂરક પરિક્ષાનું પરિણામ આજે શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્‍યું છે.

ધો. ૧૦ એસ.એસ.સી. પૂરક-૨૦૨૪ પૂરક પરીક્ષાનું પરિણામ આજે પ્રસિધ્‍ધ કરવામાં આવે છે. પરીક્ષા રાજ્‍યના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી, જેમાં ૧,૨૮,૩૩૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧,૦૪,૪૨૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા તે પૈકી ૨૯,૫૪૨ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. ધો. ૧૦ એસ.એસ.સી. પૂરક પરીક્ષાનું સમગ્ર રાજ્‍યનું પરિણામ ૨૮.૨૯ ટકા આવેલ છે.

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહ

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ આજે પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. જેમાં ૫૬,૪૫૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૪૯,૧૧૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા, તે પૈકી ૨૪,૧૯૬ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, સમગ્ર રાજ્‍યનું પરિણામ ૪૯.૨૬ ટકા આવેલ છે.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવેલ છે. પૂરક પરિક્ષા માટે ૨૬,૯૨૭ પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા. નોંધાયેલ પરીક્ષાર્થીઓમાંથી ૨૬,૭૧૬ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા, જે પૈકી ૮,૧૪૩ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે, આમ, સમગ્ર રાજ્‍યનું પરિણામ ૩૦.૪૮ ટકા આવેલ છે.(૨૧.૩૧)

ગુજરાતમાં તા. ૧ થી ૧૨ ઓગષ્‍ટ નિઃશુલ્‍ક કાર્યશાળાનું આયોજન

વૈશ્વિક સ્‍તરે વિજ્ઞાન - વૈજ્ઞાનિકોના પ્રદાન માટે સ્‍ટુડન્‍ટ ઇનોવેશન ફેસ્‍ટ-૨૦૨૪નું આયોજનઃ શાળા કોલેજોને આ વૈજ્ઞાનિક ચળવળમાં જોડાવા નિકેશ શાહ - પ્રદીપ જોષીનો અનુરોધ

રાજકોટ તા. ૨૯ : ભારતીય વિજ્ઞાન પરંપરા અને સિદ્ધિઓનો અર્વાચીન વિજ્ઞાન સાથે તાલમેલ મેળવી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવાના શુભઆશયથી કાર્ય કરી રહેલી સંસ્‍થા વિજ્ઞાન ભારતી. વિજ્ઞાન ભારતીનું ગુજરાત એકમ વિજ્ઞાન ગુર્જરી. આપણી સંસ્‍કૃતિ, સ્‍વદેશી વિજ્ઞાન તથા વસુધૈવ કુટુંબકમની ભાવના હૃદયમાં રાખી, વિજ્ઞાન ગુર્જરી સમગ્ર ગુજરાતમાં કાર્ય કરે છે.

વિજ્ઞાન ગુર્જરી ગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS), સ્‍ટુડન્‍ટ ઇનોવેશન ફેસ્‍ટ (SIF), પ્રોજેક્‍ટ થી પ્રોડક્‍ટ (P2P), એક માસ વૈજ્ઞાનિક ખાસ કોન્‍ફરન્‍સ પ્રતિયોગિતા, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM), વર્લ્‍ડ આયુર્વેદા કોન્‍ફરન્‍સ (WAC), ભારતીય વિજ્ઞાન સંમેલન (BVS) વગેરે જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ લોકોમાં વિજ્ઞાન અંગે જાગૃતિ વધે તે માટે સતત પ્રયત્‍નશીલ છે.વર્ષ ૨૦૨૪માં ૦૧ ઓગસ્‍ટ થી ૧૨ ઓગસ્‍ટ ૨૦૨૪ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્‍ટુડન્‍ટ ઇનોવેશન ફેસ્‍ટ ૨૦૨૪નું આયોજન થવા જઈ રહ્યું છે જે અંતર્ગત રાજયભરમાં ૫૦૧ કાર્યક્રમનું આયોજન થશે સાથો સાથ ૧૦૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ પણ થશે. SIF-૨૦૨૪ માટેના વક્‍તવ્‍યની મુખ્‍ય થીમ ‘વૈશ્વિક સ્‍તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું યોગદાન' રહેશે. ઉપરાંત SIF-૨૦૨૪ના સબ થીમ્‍સમાં ભારતીય વૈજ્ઞાનિકોના જીવન અને પ્રેરણા, ભારતીય પરંપરાઓ અને વિજ્ઞાન, ભારતીય વિશ્વવિખ્‍યાત વિજ્ઞાન સંશોધન સંસ્‍થાઓ પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકોનું યોગદાન, આધુનિક ભારત બનાવવા માટે ભારતના વૈજ્ઞાનિકોનો યોગદાન વગેરેનો સમાવેશ થાય છે. SIF ૨૦૨૪ નો લાભ અંદાજે ૫૦,૦૦૦ ઉપરાંત લેશે.

ભારતીય વૈજ્ઞાનિકો અને ભારતીય વિજ્ઞાનનું વૈશ્વિક પ્રદાન શાળા કોલેજના છાત્રો સુધી પહોંચે અને છાત્રો તેમાંથી પ્રેરણા લઈ ભવિષ્‍યમાં આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ભારતની પરિકલ્‍પના સાકાર કરે તેવા શુભ હેતુ સાથે વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ ચૈતન્‍યભાઈ જોશી, ગુજરાત પ્રાંતના સચિવ ઇજનેર જીગ્નેશભાઈ બોરીસાગરના સફળ માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્‍છ ઝોનના કન્‍વીનર પ્રો. નિકેશભાઈ શાહ, કો કન્‍વીનર પ્રો. પ્રદીપભાઈ જોશી, સૌરાષ્ટ્ર કચ્‍છની સમગ્ર શાળાના સંયોજક તરીકે ડો. અતુલભાઇ વ્‍યાસ, ઇજનેરી કોલેજોના સંયોજક તરીકે ડોક્‍ટર આશિષભાઈ કોઠારી, વિજ્ઞાન કોલેજ અને ફાર્મસી કોલેજના સંયોજક તરીકે શ્રી ધરતીબેન જોશી, વિવિધ યુનિવર્સિટીઓનું તથા સંયોજક તરીકે ડો. દેવિતભાઈ ધ્રુવ, સૌરાષ્ટ્ર કચ્‍છની કોમ્‍પ્‍યુટર કોલેજોનું સંકલન કરવા કન્‍વીનર તરીકે પ્રો. કિશોરભાઈ આટકોટિયા તથા વિજ્ઞાન ગુર્જરીના ઇન્‍સ્‍ટિટયૂટ મેમ્‍બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર કે યુનિવર્સિટી, દર્શન યુનિવર્સિટી, આત્‍મીય યુનિવર્સિટી, વીવીપી ઇજનેરી કોલેજ, ગવર્મેન્‍ટ ઈજનેરી કોલેજ, હરીવંદના ગ્રુપ ઓફ કોલેજ વગેરે સંસ્‍થાઓમાં સંસ્‍થા દ્વારા સંયોજકોની નિમણૂક કરવામાં આવેલ છે. આગામી ૧ થી ૧૨ ઓગસ્‍ટ ૨૦૨૪ દરમિયાન જુદી જુદી ૫૦૧ સંસ્‍થાઓમાં ૫૦૧ નિષ્‍ણાતો મારફત કાર્ય શાળાઓ યોજાનાર છે. આ સાથે પર્યાવરણ નું રક્ષણ થઈ શકે તે માટે દરેક સંસ્‍થામાં બે વૃક્ષોનું વાવેતર પણ કરવાનું આયોજન કરાયેલ છે જેનાથી કુલ ૧૦૦૨ જેટલા રોપાઓની વાવણી કરવામાં આવશે અને તેમનું જતન જે તે સંસ્‍થા દ્વારા કરવામાં આવશે તેવું આયોજન કરાયેલ છે. ગુજરાત રાજયના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્‍છના મોટાભાગના જિલ્લાઓમાં તથા તાલુકાઓમાં સરકારી શાળાઓ, સેલ્‍ફ ફાઇનાન્‍સ શાળાઓ, કોલેજો, વિશ્વવિદ્યાલયો, સંશોધન સંસ્‍થાઓ વિગેરે તમામ ક્ષેત્રે ઉપરોક્‍ત કાર્યક્રમ યોજવાના છે.

(3:04 PM IST)