<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ગાંધીનગરમાં વરસાદ તૂટી પડયોઃ ગુજરાતના ૪૫ ડેમો સંપૂર્ણ ભરાયા

પાટનગરના જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૩૧.૧૨ ટકા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨૯: રાજયના પાટનગરમાં છેલ્લા ઘણા વખતથી વરસાદનું આગમન થયું ન હતું જે આજે વહેલી સવારથી ખૂબ જ સારી રીતે પડી રહ્યો છે આજે મોડી સાંજ સુધી આ વરસાદ ચાલુ રહે તેવું હાલના તબક્કે વાતાવરણ છે અને આ સિઝનનો આજનો વરસાદ એ રાજયના પાટનગર માટે નોંધનીય રહેશે. જિલ્લામાં સરેરાશ ૩૧.૧૨ ટકા વરસાદ પડયો છે. ગાંધીનગર શહેરમાં મોસમનો કુલ ૨૨ ટકા વરસાદ નોંધાયો.

રાજયમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્‍તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જયારે આ સિવાય રાજયના અન્‍ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્‍તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્‍છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્‍ય ગુજરાતના ૧૭માં  ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્‍યું છે.

(4:26 PM IST)